Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ
સોર્સ : GSTV

એક બાળક જંગલમાં ભૂલો પડયો. એકાંતથી ગભરાઈ ગયો. ભયભીત બનીને ચોપાસ જોતો હતો. ગીચ ઝાડીમાંથી એને સળવળાટ સંભળાયો.

App Store

નાના બાળકના પગ ધ્રૂજવા લાગ્યા. એને થયું કે નક્કી કોઈ એની પાછળ પડયું છે. આથી એણે જોરથી બૂમ પાડી, 'તું કોણ છે ?'

એના આ અવાજનો ચોપાસના પહાડોએ વધુ બુલંદ પડઘો પડયો : 'તું કોણ છે ?'

ભયભીત બાળકના ડરનો પાર ન રહ્યો. એના હૃદયની ધડકન વધી ગઈ. આમ છતાં ડૂબતો માણસ તરણું પકડે એમ સઘળી હિંમત ભેગી કરીને એણે પડકાર કર્યો, 'ડરપોક'. સામેથી 'ડરપોક'નો જ પ્રતિધ્વનિ સંભળાયો.

મોત સામે આવેલું ઊભું જાણીને નાના બાળકે ખૂબ સાહસ કરીને ચીસ પાડી, 'હું તને મારી નાખીશ.'

સામેથી એવો જ પ્રતિધ્વનિ થતાં બાળક મુઠ્ઠીઓ વાળીને ગામ ભણી દોડયો. એ જેટલી ઝડપથી ડગ ભરતો હતો એટલી જ ઝડપથી એને પાછળ આવનારનાં પગલાં સંભળાતાં હતાં.

માંડ માંડ બાળક ઘેર પહોંચ્યો અને એણે જઈને પોતાની માતાને બધી વાત કરી. એની માતાએ વ્હાલથી કહ્યું, 'અરે ! એ રહસ્યમય માનવી તો ખૂબ વહાલસોયો છે. એને હું બરાબર ઓળખું છું, તું એને ફરી જઈને કહેજે કે, 'મારા મિત્ર, હું તમને ચાહું છું.' એ જરૂર તારા પ્રેમનો પડઘો પાડશે.'

પેલો બાળક હિંમતભેર જંગલમાં ગયો. ગીચ ઝાડીમાં જઈને એણે બૂમ પાડી, 'મારા મિત્ર !' અને એને પ્રતિધ્વનિ સંભળાયો, 'મારા મિત્ર !'

હૃદયમાં હિંમત આવતાં નાના બાળકે કહ્યું, 'હું તમને પ્રેમ કરું છું.' 

અને આખાય હૃદયને ઉલ્લાસથી ભરી દે એ રીતે પહાડ અને જંગલમાંથી એને પ્રતિધ્વનિ સંભળાયો, 'હું તમને પ્રેમ કરું છું.'

જંગલમાં અટવાયેલા નાના બાળક જેવી આ જગતમાં આવેલા માનવીની દશા છે. હવે જેવો અવાજ કરે છે, એવો પ્રતિધ્વનિ એને સાંપડે છે.

એ જગતમાં પ્રેમ વહેંચે છે, તો જગત આખુંય એને પ્રેમ આપે છે. એ ઇર્ષા, દ્વેષ કે નિંદા કરે છે તો દુનિયામાંથી એને આ સિવાય બીજું કશું મળતું નથી.

જગતને તમે જે આપો છો, તે જ જગત તમને પાછું આપે છે. ભાવભીનું હૃદય ધરાવનારને સદા લાગણી મળે છે. ઘૃણા કે તિરસ્કારથી જીવનારને બધે જ ઇર્ષા અને અવગણના મળે છે.