Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : A spring walk with color

GSTV શતરંગ:  રંગને સંગ વસંતનો વિહાર 

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ:  રંગને સંગ વસંતનો વિહાર 
સોર્સ : gstv

- વિવિધા-ભવેન કચ્છી

App Store

ભારતીય સંસ્કૃતિમાં પર્વોનું મહત્વ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પ્રકૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ છે. ફાગણ મહિનાની પૂનમ એટલે 'હોળી' અને પડવો એટલે 'ધુળેટી'. આ બે દિવસો માનવ જીવનમાં નવી ઊર્જા, નવો ઉત્સાહ અને નવી દ્રષ્ટિ લઈને આવે છે.\

હોળી અને ધુળેટીનો ફર્ક

ઘણીવાર લોકો હોળી અને ધુળેટીને એક જ ગણે છે, પરંતુ તાત્વિક રીતે બંનેમાં મોટો તફાવત છે :

હોળી  : હોળી એ 'દહન' અને 'ત્યાગ'નું પ્રતીક છે. ફાગણ સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળી એટલે નકારાત્મકતાનો નાશ. આ દિવસે અગ્નિની પૂજા થાય છે. તે ભક્તિ અને વિશ્વાસનો વિજય સૂચવે છે.

ધુળેટી : ધુળેટી એ 'સર્જન' અને 'સ્વીકાર'નું પ્રતીક છે. ધુળેટી શબ્દ 'ધૂલિ' (ધૂળ) પરથી આવ્યો છે. પ્રાચીન કાળમાં હોળીની રાખ (ભસ્મ) એકબીજાને લગાડવાની પરંપરા હતી, જે સમય જતાં રંગોમાં પરિવર્તિત થઈ. તે સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે.

ગ્રંથોમાં સંદર્ભ 

આપણા ષિ-મુનિઓએ આ ઉત્સવને શાસ્ત્રીય મર્યાદાઓમાં બાંધ્યો છે:

વૈદિક કાળ: વેદોમાં આને'નવાન્નેષ્ટિ યજ્ઞા' કહ્યો છે. ખેતરમાં તૈયાર થયેલા જવ અને ચણાના હોળાને અગ્નિમાં હોમીને તેને પ્રસાદ તરીકે વહેંચવાની પરંપરા છે.

પુરાણોની કથા: શ્રીમદ ભાગવત પુરાણ મુજબ, હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળશે નહીં. તેણે ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી બાળવાનો પ્રયત્ન કર્યો, પણ 'રામ રાખે તેને કોણ ચાખે' - હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આ કથા સમજાવે છે કે અહંકાર અને સિદ્ધિ, વરદાન ગમે તેટલું  શક્તિશાળી હોય, ભક્તિ અને અડગ શ્રદ્ધા  સામે તે પરાજિત થાય જ છે.

સંસ્કૃત સાહિત્ય: રાજા હર્ષવર્ધનની 'રત્નાવલી' અને કાલિદાસના  'ઋતુસંહાર'માં વસંતોત્સવ તરીકે હોળીનું અદભૂત વર્ણન મળે છે. જૈમિની મીમાંસામાં આને 'હોલાકા' પર્વ તરીકે ઓળખાવ્યું છે.

રંગોનું તત્ત્વજ્ઞાન

રંગો એ માત્ર દેખાવ નથી, પણ માણસના મનનાં ભાવો છે. લાલ રંગ શક્તિ અને ઉત્સાહનો છે, પીળો રંગ જ્ઞાન અને શાંતિનો છે, અને લીલો રંગ સમૃદ્ધિનો છે.કેસરી રંગ શૌર્યનો છે. સફેદ શાંતિ સાથે જોડાયેલ છે.

મનોવૈજ્ઞાનિક અસર : શિયાળાની સુસ્તી પછી વસંતમાં પ્રકૃતિ ખીલે છે. રંગો દ્વારા માણસ પોતાની અંદર છુપાયેલી ઈર્ષ્યા, ક્રોધ અને અસંતોષને બહાર કાઢી નાખે છે (ભચારચજિૈજ). જ્યારે આપણે બીજા પર રંગ નાખીએ છીએ, ત્યારે આપણે ભેદભાવ ભૂલીને તેની સાથે એકાકાર થઈએ છીએ.

આરોગ્ય વિજ્ઞાન : હોળીના તાપથી કફ જનિત રોગો દૂર થાય છે. જો કે વિજ્ઞાનની રીતે આવો કોઈ પુરાવા નથી પણ અગ્નિનો તાપ સુખદ અનુભૂતિ આપે તેવી રાત્રી તો હોય જ છે. કેસૂડાના ફૂલોના રંગથી સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે. ધુળેટીના દિવસે ઉડાડવામાં આવતો ગુલાલ કલર થેરેપીની રીતે  માનસિક તનાવ ઓછો કરે છે.હોળીના પર્વ દરમ્યાન ધાણી, ખજૂર, પતાશાના હારડા, શેકેલ ચણા પણ પૂર્વજોએ આરોગ્યના સંદર્ભમાં ઋતુગત ગોઠવેલ છે.

સાહિત્ય અને હોળી

ભારતીય કવિઓએ હોળીને ભક્તિ અને શૃંગારના શિખરે પહોંચાડી છે.

ભક્તકવિ નરસિંહ મહેતા વ્રજની હોળીનું વર્ણન કરતા લખે છે : 'રમતો રાસ રમાડયો હોરી, વહાલે વ્રજની નાર રે મોરી,

અબીલ ગુલાલની ગગને રે છાયા, રંગે રમે નંદકુમાર રે મોરી.'

મીરાંબાઈ માટે હોળી એ આત્મસમર્પણ છે :

'ફાગુન કે દિન ચાર હોરી 

ખેલી રે,

બિન કરતાલ પખાવજ બાજે, અણહદ કી ઝણકાર રે...'

મહાકવિ સૂરદાસ કૃષ્ણની લીલા વર્ણવતા કહે છે :

'આજ બિરાજ મેં હોરી રે રસિયા,

હોરી રે રસિયા, બરજોરી રે રસિયા...'

આ પંક્તિઓ સૂચવે છે કે હોળી એ માત્ર મોં પર  બાહ્ય રંગ લગાવવાનો   ખેલ નથી, પણ ભીતરના પરમાત્મા સાથે ખેલાતો રંગોત્સવ છે.

હોળી એક જ દિવસ માટે નથી 

ભારતના લગભગ તમામ રાજ્યોમાં હોળી અને ધુળેટી  પર્વ ઉજવાય છે, પણ તેનાં નામ અને ઉજવણીની રીત  અલગ હોઈ શકે છે. રાજસ્થાન અને હિન્દી ભાષી રાજ્યોમાં હોળી અઠવાડિયા સુધી જુદી જુદી પરંપરા સાથે ઉજવાય છે.

ગુજરાતમાં હોળી પ્રગટાવી નાળિયેર હોમવું તેમજ રંગથી રમવાનું અને વિશેષ કરીને શ્રીખંડની મોજ ઉડાડવાનો મહિમા છે. રાજસ્થાન સહીત હિન્દી રાજ્યોમાં અને બંગાળમાં રંગનો મહિમા તો છે જ પણ  આ ઉપરાંત ઠંડાઇ, ભાંગ સાથે પ્રાદેશિક નૃત્ય સાથે ઉજવણી થાય છે. ઉત્તર પ્રદેશમાં લઠ્ઠમાર હોળી અંતર્ગત બરસાનામાં સ્ત્રીઓ પુરુષોને લાકડીથી હળવી શૈલી સાથે ફટકારે છે. પુરુષો બચવા માટે માથા પર ચામડાની ઢાલ રાખી લાકડી મારીને ઝીલે છે.બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની શોભાયાત્રા કીર્તન સાથે નીકળે છે. ચૈતન્ય મહાપ્રભુ કીર્તનની મસ્તીના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાઈ જતા તે જ રીતે ભક્તો શોભાયાત્રામાં કીર્તનમાં લીન થઇ જાય છે અને ગુલાલ ઉડાડે છે. તેઓ હોળીને ડોળ પૂર્ણિમા તરીકે ઉજવે છે. મહારાષ્ટ્રમાં શિમોગા તરીકે પણ ઓળખાય છે. રંગ પંચમીનું માહાત્મ્ય વધારે છે. મણિપુરમાં  યાઓશાંગ  તહેવાર  પૂર્ણિમાથી પાંચમ સુધી નૃત્ય, રંગ અને સંગીત સુધી ઉજવાય છે. દક્ષિણ ભારતમાં હોલિકાની જગ્યાએ કામ દહન તરીકે ઉજવીને સંગીત તેમજ રંગ સાથે હોળી પ્રકારની ઉજવણી થાય છે. પંજાબમાં હોલા મહોલ્લા તહેવારમાં શીખ સમુદાય દ્વારા શૌર્ય પ્રદર્શન થાય છે. આમ પ્રત્યેક રાજ્યમાં જુદા જુદા નામથી પણ ઉજવણીનો માહોલ તો હોય જ છે.

સદીઓથી ચાલતી પ્રણાલી 

આ પર્વ સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગામના પાદરે સૌ ભેગા મળીને હોળી પ્રગટાવે, ત્યારે ઊંચ-નીચના ભેદભાવ ઓગળી જાય છે. 'હોળીનું નાળિયેર' પ્રસાદ તરીકે વહેંચાય ત્યારે દુશ્મની પણ મિત્રતામાં બદલાઈ જાય છે.

સામૂહિક હોળી : વ્યક્તિગત પૂજા કરતા સામૂહિક પૂજાનું મહત્વ વધુ છે. મિલન : હોળીના બીજા દિવસે ધુળેટીએ ઘરે-ઘરે જઈને વડીલોના આશીર્વાદ લેવા અને મિત્રોને ગળે મળવું એ સંબંધોને તાજા કરવાની રીત હતી જે વિસરાતી જાય છે.

હોળી ખરેખર તો ઊંચ નીચનો ભેદભાવ દૂર કરવાનો તહેવાર છે પણ કમનસીબે ગામોમાં જ્ઞાતી, જાતિ, કુળ ભેદ વધતો જાય છે અને ભૂલથી એક વર્ગ બીજા વર્ગને રંગે તો લોહીયાળ  મારામારી અને જૂથ વચ્ચે હિંસાની ઘટના બને છે. ગેર : ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં હોળી નિમિત્તે  'ગેર' લોકનૃત્ય અને લોકસંગીતનો અદભૂત વારસો સાચવી રહી છે. આમ દરેક સમુદાયની ઉજવણીની આગવી પધ્ધતિ પણ છે.

ઈકો-ફ્રેન્ડલી હોળી ઉજવાઈ 

આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, ત્યારે આપણે પરંપરા અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું પડશે. એક બહોળો વર્ગ અને એન. જી. ઓ. ઇકો ફ્રેન્ડલી હોળીનો પ્રચાર કરે છે કે 

પાણીની બચત : ધુળેટીમાં પાણીનો વેડફાટ અટકાવી 'કોરી હોળી' અથવા 'તિલક હોળી' રમવી જોઈએ.

કુદરતી રંગો : રાસાયણિક રંગોને બદલે હળદર, કેસૂડો અને મેંદી જેવા કુદરતી રંગો વાપરવા જોઈએ.

વૃક્ષ બચાવો : હોળીમાં લાકડાને બદલે ગાયના છાણાં (ગાયત્રી હોળી)નો ઉપયોગ કરવો જોઈએ, જેથી પર્યાવરણ શુદ્ધ થાય.તેનાથી આગળ વૈદિક હોળી તો આ વખતે શહેરોમાં મોટાપાયે અપનાવાઈ. 

વસંતનો વિહાર 

હોળી (ધુળેટી પણ)એટલે હૃદયના આંગણે વસંતનું આગમન. આ ઉત્સવ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, પણ જો તમારી પાસે 'પ્રહલાદ' જેવી અતૂટ શ્રદ્ધા હશે, તો વિજય તમારો જ થશે. ધુળેટીના રંગો એ સંદેશ આપે છે કે આપણી આસપાસના દરેક માણસમાં ઈશ્વરનો એક રંગ છે, તેને પ્રેમથી સ્વીકારો.હોળી - ધુળેટીએ ચહેરા પર રંગ લગાવી દો છો પછી તમારી નાત, જાત, ધર્મ, શ્વેત, શ્યામ, ગરીબ, તવંગર જેવી  ઓળખ નથી રહેતી. તમે સંસારી નામથી કોણ છો તે પણ ઓળખી નથી શકાતા. આમ હોળી દુન્યવી અસ્તિત્વ, અહંકારી ઓળખ ભૂલીને આપણે સૌ એક જ છીએ તેવો મેસેજ આપે છે. હોળી - ધુળેટીના તહેવારમાં આપણે જ સામેથી આપણાથી લઘુતા ગ્રંથી કે પ્રભાવથી દૂર ભાગતી વ્યક્તિની નજીક જઈને તેને  રંગ લગાવવો જોઈએ.  હોળીના દિવસે ભૂલી ગયા હો તો આજે ધુળેટીએ હોળીની અગ્નિની જવાળાને યાદ કરીને  મનોમન વેર-ઝેર, ઈર્ષ્યા અને આળસને હોમી દઈએ અને ધુળેટીના રંગોથી એક નવું, ઉજ્જવળ અને પ્રેમભર્યું સમાજ-ચિત્ર તૈયાર કરીએ.

જ્ઞાન પોસ્ટ  

બાહ્ય જગતની રીતે બધા જ રંગ વચ્ચે રહો અને રમો, પણ તમે તેનાથી જળ કમળવત રહો.. બધામાં જ રહો ,બધા જ રંગોના કર્તવ્ય નિભાવો  પણ તમે તેમાંથી અલિપ્ત હો તેવી અવસ્થા પ્રાપ્ત કરો. 'રંગે રંગે અરંગી' રહો.. અને રંગાવ તો ફક્ત ભક્તિ રંગથી. 

- શ્રીરંગ અવધૂત મહારાજ઼