Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / રવિ ઇલા ભટ્ટ : GSTV Shatrang: I found my missing color

GSTV શતરંગ: મારો ખૂટતો રંગ મળી ગયો

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: મારો ખૂટતો રંગ મળી ગયો
સોર્સ : GSTV

- ઝાકળઝંઝા

App Store

- રવિ ઈલા ભટ્ટ

- 'તમારી આતુરતાનો અંત આવી ગયો છે. ધુળેટીએ હું મારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છું. મને મારો ગમતો રંગ મળી ગયો છે. હું મારો બિઝનેસ શરૂ કરું છું...'

'શુભ્રા આખો દિવસ શું મોઢું ચડાવીને ફર્યા કરે છે. નોકરી જતી રહી તો જતી રહી. છોકરીઓને વધારે ચિંતા ન કરવાની હોય. તેમણે તો આખરે પરણીને સાસરે જ જવાનું હોય ને.' - સુલેખા કાકી બોલ્યા અને શુભ્રા રાતીચોળ થઈ ગઈ.

'શુભ્રા, તારે જે દલીલો કરવી હોય અને જે તર્ક કરવા હોય તે તું કરતી રહેજે પણ આવતીકાલે વિજયનો મિત્ર આવે છે. તેનું નામ નિલ છે. તેને આ શહેરમાં થોડું કામ છે. તારે એની સાથે દિવસ પસાર કરવાનો છે. તેનું જે કામ હોય તે કરી આપવાનું છે અને નિલ તને પસંદ પડે છે કે નહીં તે પણ જોવાનું છે. બીજી વાત, આ કોઈ વિનંતી નથી, ઓર્ડર છે. મારો નહીં વિજયનો. તારે જે વાત કરવી હોય તે વિજય સાથે કરજે.' - મમ્મીએ આદેશ જારી કરી દીધો.  

મમ્મીએ મોટાભાઈનું નામ દઈને હુકમનો એક્કો ઉતરી દીધો અને શુભ્રાની બાજી બગડી ગઈ. તેની પાસે હવે નિલ જોડે સમય પસાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. શુભ્રા ઔપચારિક મિટિંગ માટે તૈયાર થઈ ગઈ.

'શુભ્રા, નિલ અડધો કલાકમાં તારા ફેવરિટ કેફે ઉપર પહોંચી જશે. તું પણ નિકળવાની તૈયારી કરજે. સરસ તૈયાર થઈને જજે બેટા.' - મમ્મીએ આવીને કહ્યું અને હસવું દબાવીને રૂમની બહાર જતી રહી. શુભ્રાએ અકળામણમાં પગ પછાડયા. થોડીવારમાં તે કેફે પહોંચી ગઈ. થોડીવારમાં નિલ પણ આવ્યો અને બંને એક ખૂણાના ટેબલમાં ગોઠવાયા. 

'વિજય કહેતો હતો કે, શુભ્રા સાથે સાચવીને વાત કરજે, કિલર ઈન્સ્ટિન્ક્ટ ધરાવતી છોકરી છે. આઈ થિંક હી ઈઝ રાઈટ.' - નિલે કહ્યું અને શુભ્રાના ચહેરા ઉપર સામાન્ય સ્મિત આવ્યું.

'તો આપણે વાતો કરતા પહેલાં ઓર્ડર આપી દઈએ... એક્સક્યુઝમી...' -  નિલે ઔપચારિકતા બતાવી. એક વેઈટર તેમની પાસે આવ્યો.

'આઈ વિલ પ્રિફર બ્લેક કોફી વિથ પિંચ ઓફ સોલ્ટ... અને તમે.' - નિલ બોલ્યો.

'સંતોષ મારા માટે એક ચા અને આ ભાઈ જે કહે તે એમના માટે લેતો આવજે.' - શુભ્રા બોલી અને વેઈટર સ્મિત કરીને જતો રહ્યો.

'તમે અહીંયા રેગ્યુલર આવો છો. વેરી નાઈસ પ્લેસ.' - નિલ હજી આઈસ બ્રેકિંગ જ કરતો હતો.

'નિલ... આપણે સીધી વાત કરીએ. તમે અહીંયા બેંગ્લોરથી આટલે દૂર માત્ર ભાડાની આ નવી નક્કોર બાઈક લઈને મને મારા જ ફેવરિટ કેફેમાં મળવા નથી આવ્યા. રાઈટ?' - શુભ્રાએ તો આઈસ બ્રેકિંગ નહીં બિચારાની લાગણીઓનો ચુરો બોલાવી દીધો. નિલ હસી પડયો.

'શુભ્રા, વિજય સાચુ કહેતો હતો. તારામાં સાચે જ કિલર ઈન્સ્ટિન્ક્ટ છે. હું અહીંયા મારી બહેનના નવા ઘરે આવ્યો છું. તે લોકો નેક્સ્ટ વીક અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે. તે પહેલાં બધું સેટ કરવાનું છે. ખાસ કરીને ઘરની વસ્તુઓ લેવાની છે. દીદી આવી ગઈ છે પણ જીજાજી હજી ડયુટી ઉપર છે અને પંદર દિવસ પછી આવવાના છે. ત્યાં સુધીમાં મારે અને દીદીએ ઘર ગોઠવીને રેડી કરવાનું છે. દીદી બે દિવસ પછી દિલ્હીથી સામાન ભરાવીને અમદાવાદ આવશે ત્યાં સુધી બંદાએ બધું શોધીને રાખવાનું છે. વિજયે મને તેના માટે અમદાવાદના સિંદબાદનું નામ આપ્યું છે, શુભ્રા ત્રિવેદીનું.' - નિલ એકશ્વાસે બોલ્યો અને શુભ્રા હસી પડી.

'શું ખરીદી કરવાની છે તમારે?' -શુભ્રાએ હસવાનું રોકતા કહ્યું.

'ખાલી મકાનને ઘર બનાવી શકાય તેવી મોટાભાગની તમામ વસ્તુઓ ખરીદવાની છે. ફર્નિચર તો છે પણ ચાદરો, પડદા, ક્રોકરી અને બીજું ઘણું બધું.' - નિલે કહ્યું અને ત્યાં વેઈટર તેમનો ઓર્ડર લઈને આવ્યો.

'સો મેઈક ઈટ ક્વિક.' - શુભ્રા બોલી અને બંને હસી પડયા.

બંને ત્યાંથી નીકળી પડયા અને શુભ્રા તેને વિવિધ બજારોમાં લઈ ગઈ. અલગ અલગ જગ્યાએથી સોફાનું કાપડ, સોફાનું મટિરિયલ, પડદા, લાઈટો, ઘરવખરી બધું જ સેટ કરાવી દીધું. બધાને ત્રણ દિવસ પછી લેવા આવવાના વાયદા અપાઈ ગયા. 

ખરીદી દરમિયાન શુભ્રાએ જણાવ્યું કે, તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તેની જોબ જતી રહી છે. તે પોતાનો બિઝનેસ કરવા માગે છે પણ ઘરના લોકો તૈયાર નથી. નિલે તેને શાંત્વના આપી. આ દરમિયાન બંને એક-બે દુકાનોમાં ગયા જ્યાં નિલને તેની બહેન માટે થોડા કપડાં લેવા હતા. શુભ્રાએ કપડા લેવામાં પણ મદદ કરી. આ મુલાકાત બાદ બંને રાત્રે ડિનર કરીને છુટા પડયા.

'અમારી વચ્ચે કોઈ જ વાત થઈ નથી. નિલને પોતાને પણ ખબર નહોતી કે તે મેરેજની ઈચ્છા સાથે મને મળવાનો છે. એ બિચારો તો માત્ર તેની બહેનના ઘરની ખરીદી માટે મને મળ્યો હતો. તમારા મોટા દીકરાને વાત કન્વે કરતા પણ નહોતું આવડયું. તો કોઈ પરિણામની આશા રાખશો નહીં.' - શુભ્રાએ ઘરમાં ઘુસતાની સાથે જ આતુરતાથી રાહ જોતા વડીલોને સંભળાવી દીધું અને ઘરના ડ્રોઈંગરૂમમાં નિરાશા છવાઈ ગઈ.

એ વાતને મહિનો થઈ ગયો પણ ક્યાંય કોઈ અપડાઉન્સ આવ્યા નહીં. બધું જ સામાન્ય ચાલતું હતું. એક સાંજે શુભ્રા પોતાના કારકિર્દીના વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેનો ફોન રણક્યો.

'સો હાઉ આર યુ કિલર લેડી?' - સામેથી અવાજ આવ્યો.

'નિલ. કેમ અચાનક ફોન કરવો પડયો? ફરીથી કંઈ ખરીદી કરવાની છે કે શું?' - શુભ્રાએ કહ્યું.

'યાર મને લાગે છે કે, તારે બિઝનેસ કરવો જોઈએ. તું એના માટે જ સર્જાઈ છે. મેં જોયું તો હાલમાં અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં બુમ છે. તેમાંય પશ્ચિમ અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે. તારે વિચારો અને ક્રિયેટિવિટીને ત્યાં સારો અવસર મળી શકે તેમ છે. બોલ ઈચ્છા છે તો એકાદ બે બિલ્ડર સાથે મુલાકાત કરાવું તારી.' - નિલે કહ્યું.

'તું ક્યાં છે? અમદાવાદ આવ્યો છે? આ વાત પુછવાની થોડી હોય મારી હા જ છે.' - શુભ્રાએ ઉત્સાહ સાથે કહ્યું.

'કલાક પછી પહોંચી જજે તારી જગ્યાએ. સંતોષ તારી ચા અને મારી બ્લેક કોફી લઈને તૈયાર હશે.' - નિલે કહ્યું અને શુભ્રા શરમાઈ ગઈ અને ફોન મુકી દીધો. દોડીને તે પોતાના રૂમમાં ગઈ અને તૈયાર થઈને નક્કી કરેલા સમયે કેફેમાં પહોંચી ગઈ.

નિલ સરસ મજાનો કુર્તો અને પાયજામો પહેરીને આવ્યો હતો. આજે તે ખરેખર સોહામણો લાગતો હતો. પીળા રંગનો ચિકનકારીવાળો કુર્તો અને સફેદ પાયજામો. તેની ઉપર આછા આસમાની રંગની કોટી પહેરી હતી. શુભ્રા તો કેફેમાં ઘુસતાની સાથે નિલને જ જોતી રહી. નિલે આવકારતા ફરી એક સ્મિત કર્યું અને શુભ્રા તેની બાજુમાં જઈને ગોઠવાઈ ગઈ.

'શુભ્રા, તારા બિઝનેસની વાત કરીએ તે પહેલાં મારે મારા જીવનની એક વાત કરવી છે. મારી જિંદગી ખાલી મકાન જેવી છે. તેમાં નોકરી, વ્યવસાય, આયોજનો, ઈચ્છાઓ અને બીજા બધા જ રંગો છે. માણસની જિંદગીમાં હોવા જોઈએ તે લાલ, પીળો અને વાદળી જેવા મૂળ રંગો છે. મારે ખુટે છે માત્ર સફેદ રંગ. જો સફેદ રંગ મળી જાય તો જિંદગી આપોઆપ મેઘધનુષી થઈ જશે.' 

'તું ઈચ્છે તો આ રંગ પૂરી શકે છે. મને લાગે છે કે, ઈશ્વરે આપણને બંનેને જીવનમાં ખૂટતા રંગ પૂરા કરવા ભેગા કર્યા છે. તારી હા હોય તો આ ધૂળેટીએ આપણે જીવનને મેઘધનુષી કરવા તરફ આગળ વધી શકીએ તેમ છીએ.' - નિલે કહ્યું અને શુભ્રા સામે જોઈ રહ્યો.

'નિલ, મારે જીવનસાથી તરીકે મિત્રની જરૂર હતી જે મને સમજી શકે. મારી લાગણીઓને સમજી શકે. એક રંગ જ્યારે બીજામાં ભળે ત્યારે પોતાનું અસ્તિત્વ ઓગાળી કાઢે અને કંઈક નવું સર્જન કરે. તેમ છતાં મૂળમાં તો તે બંને રંગો હોવા જ જોઈએ. મને લાગે છે કે, આપણું મેઘધનુષ પણ પૂરું થશે.' - શુભ્રા એટલું બોલીને શરમાઈ ગઈ.

બંને ત્યારબાદ ઘણી બધી વાતો કરીને છુટા પડયા. શુભ્રા ઘરે આવી અને બધાને હોલમાં ભેગા કર્યા.

'તમારી આતુરતાનો અંત આવી ગયો છે. ધુળેટીએ હું મારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છું. મને મારો ગમતો રંગ મળી ગયો છે. હું મારો બિઝનેસ શરૂ કરું છું- શુભ્રાએ જાહેરાત કરી. ઘરમાં નિરાશા વ્યાપી ગઈ. તેમ છતાં સામે તહેવાર હતો તેથી લોકોએ ખાસ રિએક્ટ કર્યું નહીં.

ધુળેટીની સવારે બધા ઉજવણીની તૈયારીઓમાં હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો. શુભ્રાએ દરવાજા તરફ દોટ મુકી ત્યાં જ મમ્મીએ દરવાજો ખોલ્યો. સામે નિલ, તેની બહેન અને તેનો પતિ હતા. તેઓ હાથમાં મિઠાઈ અને ભેટ સોગાદ લઈને આવ્યા હતા. 

'મારો ખુટતો રંગ મળી ગયો. મારી લાગણીઓનું મેઘધનુષ. મારા નવા જીવનની શરૂઆત' - શુભ્રાએ પાછળથી કહ્યું અને ઘરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ.

ટોપિક્સ:gstv newsravi ila bhatt