VIDEO: ANDARNI VAAT / અનંતનાગમાં હાઈવે ઠપ્પ થઈ જતા ટ્રક ચાલકો બે દિવસથી ખોરાક-પાણી વિના મુશ્કેલીમાં મુકાયા!
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનને પગલે માર્ગ પર મોટા પ્રમાણમાં કાટમાળ આવી જતાં રસ્તાના પુનઃનિર્માણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈવે બંધ થવાના કારણે હજારો વાહનો વચ્ચે જ અટવાઈ પડ્યા છે, જેમાં માલસામાન લઈને જતા ટ્રક ચાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ઉધમપુરના વતની એવા ટ્રક ચાલકો સહિત અનેક વાહનચાલકો છેલ્લા બે દિવસથી આ માર્ગ પર અટવાયેલા છે. સતત બંધ રહેલા હાઈવેના કારણે ચાલકોને પીવાના પાણી અને ખોરાકની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે..
ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા ચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવામાન સાફ થયા બાદ અને રોડ સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર થયા પછી જ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. આટલી વિકટ અને પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં, અટવાયેલા ચાલકો ઉપલબ્ધ મર્યાદિત સાધનો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને રસ્તો ખૂલવાની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હાઈવે પરથી કાટમાળ હટાવીને વહેલી તકે વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેથી અટવાયેલા હજારો વાહનચાલકો અને મુસાફરોને રાહત મળી શકે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

