VIDEO: ANDARNI VAAT / વલસાડમાં ઔરંગા નદી ઉભરાતાં શહેરમાં ઘૂસ્યા પૂરના પાણી!
ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસી રહેલા અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. ઉપરી પંથકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઔરંગા નદી બે કાંઠે ઉભરાતાં વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. નદીના ધસમસતા પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શહેરના મુખ્ય વેપારી મથક એવા દાણા બજાર વિસ્તારમાં ઘૂંટણસમાથી વધુ પાણી ભરાઈ જતાં પાર્ક કરેલી અનેક કાર અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. રસ્તાઓ પર જળભરાવ થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે તથા વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટા પાયે માલસામાનને નુકસાન પહોંચ્યું છે..
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડના જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફના અધિકારી વિજય કુમાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા બોટ મારફતે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્ર અને આપત્તિ બચાવ ટુકડીઓ ચોવીસે કલાક સક્રિય રહીને અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને જનજીવન પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

