VIDEO: ભોપાલમાં યુપીઆઈ પેમેન્ટ પર લાગી મર્યાદા ૧૬ ઓક્ટોબરથી ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ
૧૬ ઓક્ટોબરથી ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ
MDR ચાર્જ સામે પેટ્રોલ પંપ એસોસિએશનનો વિરોધ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી વાહનચાલકો અને ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે.. ભોપાલ પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશને આગામી ૧૬ ઓક્ટોબરથી ૨૦૦૦ રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્યાદા મૂકવાની જાહેરાત કરી છે. બેંકો દ્વારા વસૂલવામાં આવતા મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને અન્ય હિડન ચાર્જીસના વિરોધમાં પેટ્રોલ પંપ માલિકોએ આ નિર્ણય લીધો છે, જેનાથી સામાન્ય વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. એસોસિએશનના પ્રમુખ અજય સિંહ વિછોડિયાએ આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મોટા ટ્રાન્ઝેક્શન પર બેંકો દ્વારા જે એમડીઆર ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેનાથી પેટ્રોલ પંપ સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. પેટ્રોલિયમ પેદાશો પર પહેલાથી જ માર્જિન ઓછું હોય છે, તેમાં પણ આ વધારાનો બોજ સહન કરવો શક્ય નથી. તેથી જ ૧૬ ઓક્ટોબરથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું ચુકવણું યુપીઆઈથી સ્વીકારવામાં નહીં આવે અને ગ્રાહકોએ કેશ અથવા અન્ય માધ્યમનો ઉપયોગ કરવો પડશે.
બેંકોના ચાર્જીસથી પેટ્રોલ પંપ માલિકો લાલઘૂમ!
કેશલેસ પેમેન્ટ કરનાર ગ્રાહકોની મુશ્કેલીઓમાં થશે વધારો!
બીજી તરફ આ જાહેરાત બાદ સામાન્ય ગ્રાહકો અને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ આવા પ્રતિબંધોથી લોકોને ફરીથી રોકડ રકમ સાથે રાખવાની ફરજ પડશે. ખાસ કરીને ચાર પૈડાંવાળા વાહનો અને કોમર્શિયલ વાહનોમાં ઈંધણ પુરાવતા ગ્રાહકોને આ નિર્ણયથી મોટી અગવડતાનો સામનો કરવો પડશે. ભોપાલથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં પેટ્રોલ પંપ પર પહોંચેલા ગ્રાહકોની પ્રતિક્રિયાઓ અને એસોસિએશનની બેઠકના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. પેટ્રોલ પંપ સંચાલકો અને બેંકો વચ્ચેના આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રાહકો માંગ કરી રહ્યા છે. જો બેંકો ચાર્જીસ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઘેરો બનવાની અને અન્ય શહેરોમાં પણ વિસ્તરે તેવી પૂરી શક્યતા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

