VIDEO: 12 વર્ષમાં એક વખત ખીલતા દુર્લભ ફૂલોને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે પ્રવાસીઓ
કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલા મુન્નારના પહાડો હાલ જાણે વાદળી રંગની ચાદર ઓઢીને બેઠા હોય તેવો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. અહીં 12 વર્ષમાં એક વખત ખીલતા દુર્લભ નીલકુરુંજીના ફૂલોએ પહાડોને વાદળી અને જાંબલી રંગોથી રંગી દીધા છે. આ અનોખી કુદરતી ઘટના પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. કેરળ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ દુર્લભ ફૂલોને જોવા માટે મુન્નાર અને ઇડુક્કી આવી રહ્યા છે. પહડો વચ્ચે જામેલા જાબલી અને નીલી રંગના ફૂલથી અનોખો નજારો જોવા મળે છે. કેરલમ, તમિલનાડું , આંધ્રપ્રદેશ અને ગોવાના સેંકડો પ્રવાસીઓ આ અદભુત નજારાને માણવા માટે 12 વર્ષથી રાહ જોતા હોય છે.
કેરળના પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ મુન્નાર અને આસપાસના પહાડી વિસ્તારોમાં આ ફૂલોનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. અગાઉ પણ નીલકુરુંજીના સામૂહિક ફૂલોત્સવ દરમિયાન મુન્નારમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસીઓને કુદરતની નજીકથી આ નજારો માણી શકાય તે માટે કેરલમ પ્રવાસન વિભાગે દોઢ કીમીના ટ્રેકિંગ રૂટની વ્યવસ્થા કરી છે. અહિયા પ્રવાસીઓને નિર્ધારિત માર્ગ પર જ ચાલવાની અને ફૂલો કે કુદરતી પર્યાવરણને નુકસાન ન પહોંચાડવાની સલાહ આપવામાં આવે છે. 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ખીલતા નીલકુરુંજીના ફૂલો માત્ર આંખોને ગમી જાય તેવું દૃશ્ય નથી, પરંતુ પશ્ચિમ ઘાટની અનોખી જૈવવિવિધતા અને કુદરતના અદભૂત જીવનચક્રની પણ જીવંત ઝલકના દર્શન કરાવે છે.
નીલકુરુંજીનો છોડ મુખ્યત્વે પશ્ચિમ ઘાટના ઊંચાઈવાળા ઘાસના મેદાનોમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે આશરે 1,500થી 2,500 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉગે છે. જ્યારે એકસાથે મોટી સંખ્યામાં છોડ પર ફૂલો ખીલે છે ત્યારે આખો પહાડી વિસ્તાર જાણે વાદળી-જાંબલી કાર્પેટથી ઢંકાઈ ગયો હોય તેવું લાગે છે. નીલકુરુંજીનો ફૂલ આવવાનો સમય સામાન્ય ફૂલો કરતાં સાવ અલગ છે. આ છોડ લગભગ 12 વર્ષ સુધી વૃદ્ધિ કરે છે અને ત્યારબાદ એકસાથે મોટી સંખ્યામાં ફૂલ આપે છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને monocarpic plant કહેવામાં આવે છે, એટલે કે છોડ પોતાના જીવનકાળમાં એક જ વખત ફૂલ અને બીજ પેદા કરે છે. ત્યારબાદ તેનું જીવનચક્ર પૂર્ણ થઈ જાય છે.
ફૂલ આવ્યા પછી બીજ જમીન પર પડે છે અને તેમાંથી નવી પેઢીના છોડ ઊગે છે. આ નવા છોડ ફરીથી પરિપક્વ થઈને લગભગ 12 વર્ષ બાદ ફૂલે છે. સૌથી મોટો સવાલ એ છે કે આ છોડ ચોક્કસ 12 વર્ષ પછી જ કેમ ખીલે છે? વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ આ સમયગાળો છોડના કુદરતી જીવનચક્ર અને પર્યાવરણીય સંકેતો સાથે જોડાયેલો છે. છોડમાં પ્રકાશના દિવસની લંબાઈ અને ઋતુઓમાં થતા ફેરફારોને ઓળખવાની આંતરિક જૈવિક વ્યવસ્થા હોવાની સંભાવના છે.
લાંબા સમય બાદ એકસાથે મોટા પાયે ફૂલ આવવાથી પરાગનયન માટે મોટી સંખ્યામાં કીટકો અને મધમાખીઓ આકર્ષાય છે, જેના કારણે છોડને મોટા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરવામાં મદદ મળી શકે છે. સંશોધનમાં આ પ્રકારના સામૂહિક ફૂલ આવવાને છોડની જીવન ટકાવી રાખવાની કુદરતી વ્યૂહરચના તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. નીલકુરુંજીના ફૂલ સાથે જોડાયેલી આ દુર્લભ ઘટના માત્ર વનસ્પતિશાસ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પ્રવાસીઓ માટે પણ વિશેષ આકર્ષણ ધરાવે છે.
-- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

