VIDEO: નેપાળમાં માર્ગ પુનઃનિર્માણ વચ્ચે સ્વજનોની ભાળ મેળવવા દોડધામ
ત્રિશૂલીમાં યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગ
રસુવા સુધી રાહત સામગ્રી પહોંચાડવા તંત્રની મથામણ!
નેપાળમાં આવેલી પૂરની ભયાનક તબાહી બાદ હવે ત્રિશૂલી નદી કાંઠે ક્ષત-વિક્ષત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. રસુવા જિલ્લા સુધી માર્ગ સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને રાહત સામગ્રી તથા બચાવ ટુકડીઓને અસરગ્રસ્ત વિસ્તારો સુધી ઝડપથી પહોંચાડવા માટે માર્ગ સુધારણાની કામગીરી ઝડપી બનાવાઈ છે. સામે આવેલા દ્રશ્યોમાં સેના અને રોડ વિભાગની ટીમો ભારે મશીનરીની મદદથી ધોવાઈ ગયેલા રસ્તા પર અસ્થાયી માર્ગ તૈયાર કરતી નજરે પડે છે. આ ભયાનક હોનારત વચ્ચે માનવીય સંવેદના અને પીડાને ઉજાગર કરતી દર્દનાક કહાની પણ સામે આવી છે. કાઠમંડુમાં રહેતી સબીના નામની મહિલા પોતાના એક વર્ષના માસુમ બાળક સાક્ષમને ખોળામાં લઈને ત્રિશૂલી પહોંચી છે. ટીવી અને વર્તમાનપત્રોમાં ત્રિશૂલી હોનારત અને વિનાશના સમાચાર જોઈને સબીના અત્યંત વિચલિત થઈ ગઈ હતી અને પોતાના ગામની સ્થિતિ જાણવા તેમજ પરિવારની ભાળ મેળવવા માટે આ જોખમી રસ્તે અહીં પહોંચવા મજબૂર બની છે.
તૂટેલા રસ્તા અને સંપર્ક વિહોણા ગામડાં
નેપાળમાં માર્ગ પુનઃનિર્માણ વચ્ચે સ્વજનોની ભાળ મેળવવા દોડધામ
ત્રિશૂલીથી આગળ આવેલું સબીનાનું મૂળ ગામ પૂરના કારણે સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે, જ્યાં પહોંચવું હાલ અત્યંત મુશ્કેલ છે. ગ્રાઉન્ડ પર સબીનાના પતિ રાજેન્દ્ર સુનાર સાથે વાતચીત કરતાં તેમણે ગામની ભયાનક સ્થિતિ વર્ણવી હતી. રાજેન્દ્ર સુનારે જણાવ્યું કે પૂર બાદ તેમના ગામમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, વીજળી અને સંપર્ક સેવાઓ ઠપ છે તેમજ લોકો ભય અને રાહત સામગ્રીની અછત વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. રસુવા અને આસપાસના પહાડી વિસ્તારોમાં ફસાયેલા હજારો લોકો માટે આ રસ્તો જ એકમાત્ર આશાનું કિરણ છે. તંત્ર દ્વારા માર્ગ સમારકામ ઝડપથી પૂરું કરવા પ્રયાસો થઈ રહ્યા છે જેથી રાહત વાહનો પહોંચાડી શકાય. મુશ્કેલ પરિસ્થિતિ અને જર્જરિત રસ્તાઓ વચ્ચે પણ પોતાના સ્વજનોની સલામતી માટે સબીના જેવા અનેક લોકો જીવના જોખમે આપત્તિગ્રસ્ત વિસ્તારો તરફ દોડી રહ્યા છે, જે પૂરની ભયાનકતા દર્શાવે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

