VIDEO: નેપાળમાં પૂર બાદ નવી મુસીબત
નેપાળમાં પૂર બાદ નવી મુસીબત
બેત્રાવતીમાં ત્રિશૂલી-રસુવા હાઈવે ધોવાયો!
ચીન બોર્ડરને જોડતો મુખ્ય માર્ગ ક્ષત-વિક્ષત
નેપાળમાં આવેલા ભયાનક ઘોડાપૂર બાદ હવે તેની વિનાશક અસરો માળખાકીય સુવિધાઓ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બેત્રાવતી વિસ્તારમાં ત્રિશૂલીથી રસુવા તરફ જતો મુખ્ય હાઈવે પૂરના ધસમસતા પ્રવાહના કારણે સંપૂર્ણપણે ક્ષત-વિક્ષત થઈ ગયો છે. ચીન સરહદને જોડતા આ અત્યંત મહત્વપૂર્ણ વેપારી અને વાહનવ્યવહાર માર્ગની સ્થિતિ અત્યંત જર્જરિત બની જતાં સ્થાનિક જનજીવન અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં રોડનો મોટો ભાગ પૂરના પાણીમાં ધોવાઈ ગયેલો જોઈ શકાય છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા, ભેખડો ધસી પડવાના કારણે પડેલો કાટમાળ અને કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયેલું નજરે પડે છે. પૂરના કારણે હાઈવેના અનેક રક્ષણાત્મક તટબંધો અને નાના પુલો તૂટી જવાથી વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી અને જીવના જોખમ સમાન બની ગયું છે.
રસ્તા પર કાદવ અને કાટમાળનું સામ્રાજ્ય
પૂરની આફત પછી વાહનવ્યવહાર ઠપ
જર્જરિત રસ્તાના લીધે અનેક ગામડાં સંપર્ક વિહોણા
ત્રિશૂલીથી રસુવાને જોડતો આ માર્ગ બંધ થવાથી પહાડી વિસ્તારોના અનેક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સેવાઓ, ખાદ્ય સામગ્રી અને રાહત સામગ્રી પહોંચાડવામાં ભારે અડચણો આવી રહી છે. પૂરના લીધે ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે આ રસ્તો જર્જરિત થતાં મુશ્કેલીઓ બેગણી થઈ ગઈ છે. વેપારી વાહનો અને રાહત સામગ્રી લઈ જતા વાહનોના લાંબા લાઈનો માર્ગ પર અટવાઈ પડી છે. હાલ નેપાળ આર્મી અને રોડ ડિપાર્ટમેન્ટની ટીમો દ્વારા જેસીબી અને ભારે મશીનરીની મદદથી રસ્તા પરથી કાટમાળ હટાવીને અસ્થાયી માર્ગ શરૂ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય આ જોખમી માર્ગ પર મુસાફરી ન કરવા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. પૂરે નેપાળમાં વ્યાપક તબાહી મચાવ્યા બાદ હવે માર્ગોના પુનઃનિર્માણનો મોટો પડકાર તંત્ર સામે આવીને ઊભો રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

