VIDEO: લખનૌમાં વરસાદી પ્રકોપથી કટોકટી ભારે વરસાદથી રાજધાનીના માર્ગો પર સર્જાયા ભયાનક ગાબડાં!
લખનૌમાં વરસાદી પ્રકોપથી કટોકટી
ભારે વરસાદથી રાજધાનીના માર્ગો પર સર્જાયા ભયાનક ગાબડાં!
રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ જળમગ્ન, વાહનવ્યવહાર ખોરવાયો!
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદે વિરામ ન લેતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સતત ચોમાસી વરસાદના કારણે પવિત્ર ગોમતી નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. લખનૌના ઐતિહાસિક કુડિયા ઘાટ પર ગોમતી નદીના ધસમસતા પૂરના પાણી સાત પાયરી સુધી પહોંચી જતાં કાંઠાગાળાના વિસ્તારોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્ર સાવધ બન્યું છે.બીજી તરફ, ભારે વરસાદ અને નબળા માળખાકીય તંત્રના લીધે રાજધાનીના પોશ વિસ્તારોમાં મોટો ભય સર્જાયો છે. એકાના સ્ટેડિયમ નજીકનો મુખ્ય માર્ગ અચાનક ધસી પડતાં મોટો ગાબડો પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પરિસર પણ પૂરેપૂરું જળમગ્ન બની જતાં આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય નાગરિકો અને વાહનચાલકોની અવરજવર પર માઠી અસર પડી છે.
ગોમતીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારો પર પૂરનું જોખમ!
મનપા અને પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો!
પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગોમતી નદીનું સ્તર આ રીતે સતત વધવું એ નીચાણવાળા વિસ્તારો માટે મોટા જોખમની ઘંટડી છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો કુડિયા ઘાટ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની પૂરી શક્યતા છે. સ્થાનિકોએ તંત્ર પાસે નદીકાંઠે સુરક્ષા મજબૂત કરવા અને પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.લખનૌના વિવિધ વિસ્તારોમાંથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટના દ્રશ્યોમાં ગોમતી નદીનું ઉછળતું જળસ્તર, સ્ટેડિયમ નજીક ધસી ગયેલો ભૂવો અને જળમગ્ન રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

