VIDEO: સુકમામાં બંદૂકની ગર્જના બંધ, બંદૂકથી મુક્ત થઈને અરલમપલ્લી ગામે અપનાવ્યો વિકાસનો માર્ગ!
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી શાંતિ અને વિકાસના એક નવા પ્રભાત સમાન હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. એક સમયે નક્સલવાદી હિંસા અને ડરના સાયા હેઠળ જીવતા અરલમપલ્લી ગામમાં સુકમા પોલીસ દ્વારા એક વિશેષ ડેવલપમેન્ટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નક્સલવાદથી મુક્ત થયેલા આ પછાત વિસ્તારને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનો અને ગ્રામજનોમાં વિશ્વાસ બહાલ કરવાનો હતો. આ આઉટરીચ પ્રોગ્રામ દરમિયાન સુકમાના એસપી મયંક ગુર્જર અને એડિશનલ એસપી રોહિત શાહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂબરૂ ગામની મુલાકાત લીધી હતી. પોલીસે ગામના નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને રાહત સામગ્રી, રમતગમતના સાધનો તેમજ જરૂરી દૈનિક ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. ડ્રોનથી લેવાયેલા મનોહર દ્રશ્યોમાં આ દુર્ગમ પહાડી વિસ્તારમાં પોલીસ અને આદિવાસી ગ્રામજનો વચ્ચેની ગાઢ આત્મિયતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ગામના પૂર્વ સરપંચ સોધી હાંડા અને સ્થાનિક રહીશ દુધી હાંડાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે અહીં બંદૂકોના અવાજો અને નક્સલી આતંક વચ્ચે જીવવું પડતું હતું. પરંતુ હવે પોલીસ સ્ટેશન અને સુરક્ષા કેમ્પો સ્થપાતાં આ વિસ્તાર સુરક્ષિત બન્યો છે. રસ્તા, વીજળી અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચવાથી ગામના યુવાનો અને બાળકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ હિંસાનો માર્ગ છોડી વિકાસ સ્વીકારી રહ્યા છે.
સુકમા પોલીસ અને પ્રશાસનની આ સરાહનીય પહેલ દર્શાવે છે કે માત્ર બંદૂકથી નહીં પરંતુ વિશ્વાસ અને વિકાસથી પણ નક્સલવાદને નાથી શકાય છે. આ કાર્યક્રમ થકી અરલમપલ્લી ગામના લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે. પ્રશાસને આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં આ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ સરકારી યોજનાઓ પહોંચાડવામાં આવશે, જેથી અરલમપલ્લી ગામ બસ્તર પ્રદેશ માટે શાંતિનું પ્રતીક બની શકે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

