VIDEO: નૌશેરામાં સરહદી ગામડાઓનો કાયાકલ્પ રોડ અને બ્રિજ કનેક્ટિવિટી સુધરતાં ગ્રામજનોને મોટી રાહત!
નૌશેરામાં સરહદી ગામડાઓનો કાયાકલ્પ
રોડ અને બ્રિજ કનેક્ટિવિટી સુધરતાં ગ્રામજનોને મોટી રાહત!
ચોમાસામાં સંપર્ક વિહોણા થતાં ગામોને મળ્યો નવો માર્ગ!
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલા સરહદી વિસ્તાર નૌશેરામાં માર્ગ અને પુલ કનેક્ટિવિટી મજબૂત બનતાં જ વિસ્થાપિત અને દૂરદૂરના સરહદી ગામડાઓના નાગરિકોને મોટી રાહત સાંપડી છે. લાંબા સમયથી બિસ્માર રસ્તાઓ અને નદી-નાળાં પર પુલના અભાવે મુશ્કેલી વેઠતા ગ્રામજનો માટે આ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આશીર્વાદરૂપ સાબિત થયું છે. પહાડી અને સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિ ધરાવતા આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ સુધરતાં સ્થાનિક લોકોના રોજીંદા જીવનમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.આ વિકાસ કાર્યો અંગે માહિતી આપતાં નૌશેરા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, સરહદી ગામડાઓને મુખ્ય માર્ગો સાથે જોડવા માટે ગુણવત્તાયુક્ત પુલ અને પાકા રસ્તાઓનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન જે ગામડાઓનો સંપર્ક તાલુકા મથકથી કપાઈ જતો હતો, ત્યાં હવે નવા બ્રિજ બનવાથી વાહનવ્યવહાર બારેમાસ ચાલુ રહેશે. તંત્ર દ્વારા છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવા માટે માર્ગ નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
પાકા રસ્તાઓ બનતાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ થઈ સરળ!
છેવાડાના માનવી સુધી પહોંચી માળખાકીય વિકાસની ગંગોત્રી!
બીજી તરફ આ સુવિધા ઉપલબ્ધ થતાં જ સ્થાનિક ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, અગાઉ ઈમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા કે બાળકોને શાળાએ મોકલવા અત્યંત જોખમી બની જતું હતું. પરંતુ હવે પાકા રસ્તાઓ અને પુલ બની જતાં સમયની બચત થાય છે અને મુસાફરી પણ સરળ બની છે. કનેક્ટિવિટી સુધરવાના કારણે સ્થાનિક ખેતપેદાશોને નજીકની મંડીઓ સુધી પહોંચાડવું પણ આસાન બન્યું છે, જેનાથી ગામડાઓના અર્થતંત્રને મોટો ટેકો મળ્યો છે.નૌશેરાથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં નવનિર્મિત પુલ પરથી પસાર થતાં વાહનો અને સરહદી ગ્રામજનોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસથી ન માત્ર પ્રજાની સુવિધા વધી છે પરંતુ વિસ્તારના સમગ્ર સામાજિક-આર્થિક ચિત્રમાં પણ હકારાત્મક બદલાવ આવ્યો છે. સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરીને આગામી દિવસોમાં પણ આવા જ વિકાસલક્ષી કાર્યો ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

