VIDEO: રાજૌરીના થાનામંડીમાં ફ્લેશ ફ્લડનો મહાકોપ મત્સ્ય ફાર્મ અને ખેતી-બાગાયત ધ્વસ્ત!
રાજૌરીના થાનામંડીમાં ફ્લેશ ફ્લડનો મહાકોપ
મત્સ્ય ફાર્મ અને ખેતી-બાગાયત ધ્વસ્ત!
પૂરના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ આજીવિકા
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા હેઠળ આવતા થાનામંડી વિસ્તારમાં મુસળધાર વરસાદ બાદ આવેલા આકસ્મિક પૂરએ ભયાનક વિનાશ વેર્યો છે. પહાડી વિસ્તારોમાં ઝીંકાયેલા અવિરત વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓ ઉફાન પર આવ્યા હતા અને પૂરના ધસમસતા પાણીએ સમગ્ર થાનામંડી પંથકને ઝપેટમાં લઈ લીધો હતો. પૂરના આ પ્રચંડ પ્રહારથી સ્થાનિક મત્સ્ય પાલન કેન્દ્રો ખેતી અને બાગાયત ક્ષેત્રને અકલ્પનીય નુકસાન પહોંચ્યું છે. થાનામંડીમાં આવેલા અનેક ફિશ ફાર્મ્સમાં પૂરના કાદવયુક્ત પાણી ઘૂસી જતાં અસંખ્ય માછલીઓ વહી ગઈ છે અને ફાર્મ્સનું માળખું સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત, હજારો એકર જમીનમાં વાવેલા કૃષિ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બાગાયતી ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે, જ્યાં સફરજન અને અન્ય ફળોના બગીચાઓમાં પૂરથી વૃક્ષો ઉખડી જતાં ખેડૂતો અને બાગાયતદારોની વર્ષોની મહેનત પાણીમાં વહી ગઈ છે.
થાનામંડીમાં કરોડોનું આર્થિક નુકસાન!
ખેડૂતો અને બાગાયતદારો પાયમાલ
સફરજનના બગીચા અને પાક પાણીમાં ગરકાવ!
સ્થાનિક ખેડૂતો અને ફિશ ફાર્મ માલિકોએ ભારે હૈયે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે પૂરના પ્રકોપે તેમની રોજીરોજગારની કમર ભાંગી નાખી છે. કરોડો રૂપિયાના નુકસાનથી તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. પીડિતોએ પ્રશાસન અને સબંધીત વિભાગો પાસે વહેલામાં વહેલી તકે નુકસાનીનું સર્વેક્ષણ કરાવવા અને યોગ્ય વળતર તથા આર્થિક સહાય મોકલવા માટે આજીજી કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. પૂરગ્રસ્ત થાનામંડીમાં નુકસાનનો અંદાજ લગાવવા અને કૃષિ તથા મત્સ્ય પાલકોને તાત્કાલિક રાહત પહોંચાડવાના પ્રયાસો શરૂ કરાયા છે. જોકે, આ કુદરતી આફતમાંથી બહાર આવીને સ્થિતિ પૂર્વવત કરતાં સ્થાનિકોને મોટો સમય લાગશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

