VIDEO: રાજૌરીના થાનામંડીમાં ફ્લેશ ફ્લડનો પ્રકોપ
રાજૌરીના થાનામંડીમાં ફ્લેશ ફ્લડનો પ્રકોપ
રસ્તાઓ, પાક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ!
ઘોડાપૂરમાં ધોવાયા પહાડી માર્ગો
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આકાશી આફતે ભારે તબાહી મચાવી છે. થાનામંડી વિસ્તારમાં સતત પડેલા મુસળધાર વરસાદને પગલે અચાનક આવેલ ઘોડાપૂરના કારણે ચોતરફ વિનાશના દ્રશ્યો સર્જાયા છે. પૂરના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિક ખેડૂતોના તૈયાર પાક, મુખ્ય રસ્તાઓ અને પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સ્થાનિક રહીશોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. થાનામંડીમાંથી સામે આવેલા દ્રશ્યોમાં પૂરના રૌદ્ર સ્વરૂપની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. નદી-નાળાં બે કાંઠે ઉભરાતાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા, જેના કારણે અનેક પહાડી માર્ગો ધોવાઈ ગયા છે. આ સિવાય વીજળીના થાંભલા, પીવાના પાણીની પાઈપલાઈનો અને નાના પુલ તૂટી જતાં સંપર્ક વિહોણા બનેલા ગામડાંઓમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો છે.
સંપર્ક વિહોણા ગામડાંઓમાં સર્જાયો આફતનો માહોલ
પાણીના પ્રચંડ પ્રવાહ સામે અસહાય બન્યા ગ્રામજનો
ઘટના બાદ સ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા થાનામંડીના અપક્ષ ધારાસભ્ય મુઝફ્ફર ઈકબાલ ખાને પોતાની પ્રતિક્રિયા આપતાં ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂરના કારણે ગરીબ ખેડૂતોની જમીન અને પાક નાશ પામ્યા છે તેમજ રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે ક્ષત-વિક્ષત થઈ ગયા છે. ધારાસભ્યએ વહીવટી તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવા અને પીડિતોને આર્થિક સહાય આપવાની માંગ કરી છે. હાલ રાજૌરી જિલ્લા તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગો અને પાયાની સુવિધાઓને પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે પહાડી વિસ્તારોમાં હજુ પણ ખરાબ હવામાન અને નદીઓના ઉછળતા જળસ્તરને કારણે કામગીરીમાં અડચણો આવી રહી છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

