VIDEO: સહારનપુરમાં ૧૧૫ વર્ષ જૂના માળખા પર બુલડોઝર ડિમોલિશન બાદ વિસ્તારમાં ભારે તંગદિલી!
સહારનપુરમાં ૧૧૫ વર્ષ જૂના માળખા પર બુલડોઝર
ડિમોલિશન બાદ વિસ્તારમાં ભારે તંગદિલી!
અતિક્રમણ હટાવાતાં લોકોમાં રોષ, સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો!
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ૧૧૫ વર્ષ જૂની મસ્જિદ પર પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલા બુલડોઝર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે. સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબ્જો હટાવવાના ભાગરૂપે હાથ ધરાયેલી આ ડિમોલિશન કામગીરી બાદ સ્થાનિક રહીશો અને ચોક્કસ સમુદાયના લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટરેટ અને સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે બનેલા આ જૂના માળખાને હટાવવા માટે તંત્ર દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. જોકે, દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં પોલીસ અને પીએસીના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
અફવાઓ રોકવા ફ્લેગ માર્ચ, સોશિયલ મીડિયા પર કડક નજર!
દબાણ હટાવો ઝુંબેશથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ
ઘટના અંગે માહિતી આપતાં સહારનપુર સદરના એસડીએમ સુબોધ કુમારે જણાવ્યું હતું કે કાયદાકીય જોગવાઈઓ અને કોર્ટના નિર્દેશો મુજબ સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે. વિસ્તારમાં શાંતિ સમિતિઓ સાથે બેઠક કરીને લોકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર સહારનપુર જિલ્લામાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આકરી નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસનની આ બુલડોઝર એક્શન બાદ વાતાવરણમાં ભારે ઉત્તેજના છે, પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. અધિકારીઓ સ્થળ પર હાજર રહીને પળેપળની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

