VIDEO: રાયપુરમાં આકાશી આફતનો કાળમુખો પ્રહાર
રાયપુરમાં આકાશી આફતનો કાળમુખો પ્રહાર
અવિરત વરસાદથી રાજધાની જળમગ્ન!
માર્ગો થયા જળબંબાકાર તો ઘરોમાં ઘૂસ્યા પાણી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં વિરામ વગર વરસી રહેલા અવિરત મુસળધાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસેલા વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને જળભરાવના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેનાથી દૈનિક નોકરીયાતો અને વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવાનો વારો આવ્યો છે. શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોની હાલત અત્યંત કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી અને ખાદ્યસામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું છે. દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની જતાં પ્રજામાં વહીવટી તંત્ર અને નગર નિગમની પ્રી-મોન્સૂન કામગીરી સામે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
રાયપુરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે બરબાદી!
નગર નિગમની ખુલ્લી પોલ
વોટરલોગિંગથી જનજીવન થયું અસ્તવ્યસ્ત!
જળભરાવની ગંભીર સ્થિતિને પગલે નગર નિગમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો હરકતમાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને વોટરલોગિંગ વાળા વિસ્તારોમાંથી હેવી પમ્પિંગ મશીનો દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ચોકઅપ થયેલી ગટરો અને નાળાઓને ખુલ્લા કરીને પાણીના ઝડપી પ્રવાહ માટે રસ્તો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકોને વહેલી તકે રાહત મળી શકે. રાયપુરથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતાં વાહનો, જળમગ્ન થયેલા મકાનો અને પાણીનો નિકાલ કરી રહેલી તંત્રની ટીમો સ્પષ્ટ જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી વર્તવા અપીલ કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

