VIDEO: ઉજ્જૈનમાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર: બેગમબાગમાં ૧૫ કોમર્શિયલ સ્ટ્રક્ચર જમીનદોસ્ત!
મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ સામે પ્રશાસને લાલ આંખ કરી છે. ઉજ્જૈનના બેગમબાગ વિસ્તારમાં સરકારી જમીન પર ખડકી દેવાયેલા ૧૫ જેટલા ગેરકાયદેસર વાણિજ્યિક બાંધકામો એટલે કે કોમર્શિયલ સ્ટ્રક્ચર્સ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણ અને સ્થાનિક પોલીસ-પ્રશાસને સંયુક્ત કાર્યવાહી કરીને કરોડો રૂપિયાની સરકારી જમીનને ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણના સીઈઓ સંતોષ કુમાર સોનીના જણાવ્યા અનુસાર, બેગમબાગ વિસ્તારમાં આવેલા આ કોમર્શિયલ બાંધકામો કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અગાઉથી સંબંધિત કબ્જેદારોને નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ મુદત પૂરી થવા છતાં સ્વેચ્છાએ બાંધકામ ન હટાવાતાં આખરે પ્રશાસને આકરૂં વલણ અપનાવીને ડિમોલિશનની સઘન ઝુંબેશ હાથ ધરી હતી અને તમામ ૧૫ ધાબા-દુકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાકાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગગન બાદલના નેતૃત્વ હેઠળ કુલ ત્રણ પોલીસ સ્ટેશનના જવાનો અને મહિલા પોલીસ કાફલાને ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર બેગમબાગ વિસ્તારને ઘેરી લઈને ચુસ્ત બેરિકેડિંગ કર્યું હતું જેથી કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે.
તંત્રની આ કડક બુલડોઝર કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબ્જો કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉજ્જૈન પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મહાકાલ નગરીમાં સરકારી જમીનો પર કરાયેલા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણને સાંખી લેવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કબ્જાઓ સામે આવી જ સખત અને આકરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

