VIDEO: તમિલનાડુના ઉટીમાં માનવભક્ષી વાઘનો વધ્યો આતંક!
તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ગુડાલુર નજીક વાઘ માનવભક્ષી બની ગયો છે. આ માનવભક્ષી વાઘને પકડવા માટે વન વિભાગે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. માનવભક્ષી વાઘે ઓ-વેલીના લૉરિસ્ટન વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયામાં બે લોકોનો ભોગ લીધો છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે. સૌ પ્રથમ ઘટના 8 ઓગસ્ટના રોજ બની હતી. જેમા 58 વર્ષીય ખેડૂત એમ. બાલકૃષ્ણન ચાના બગીચામાં વાઘના હુમલામાં માર્યા ગયા હતા. બીજા દિવસે ખેડૂતનો આંશિક રીતે ખવાયેલો મૃતદેહ કોફી પ્લાન્ટેશનમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ 21 ઓગસ્ટે બીજી ઘટના બની હતી. જેમાં 54 વર્ષીય ખેડૂત કે. રવિચંદ્રન પોતાના ઘર નજીક કોફીના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે વાઘે હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું. તેમનો મૃતદેહ ઘરથી આશરે 200 મીટર દૂરથી મળ્યો હતો. બંને સ્થળેથી મળેલા પંજાના નિશાન એકસરખા હોવાનું અને મૃતદેહ પરના ઈજાના નિશાન તથા શરીરના ભાગ ખવાયેલા હોવાના પુરાવા મળતાં વન વિભાગે આ વાઘને માનવભક્ષી જાહેર કર્યો હતો.
બે જીવલેણ હુમલા બાદ સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોમાં રોષ ફેલાયો અને વાઘને તાત્કાલિક પકડવાની માંગ સાથે વિરોધ શરૂ કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી તમિલનાડુ વન વિભાગે ઓપરેશનને વધુ તેજ બનાવ્યું હતું. વાઘની હિલચાલ પર નજર રાખવા માટે જંગલ અને માનવ વસાહતને જોડતા વિસ્તારોમાં 50 કેમેરા ટ્રેપ અને ત્રણ થર્મલ ડ્રોન લગાવવામાં આવ્યા છે. વાઘને પકડવા માટે મહત્વના સ્થળોએ છ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ઓપરેશનમાં 80થી વધુ વનકર્મીઓને બે વિશેષ ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. જમીર પરની ટીમ દ્રારા વાઘના પંજાના નિશાન, મળ અને અન્ય સંકેતોના આધારે તેની હિલચાલ ટ્રેક કરી રહી છે. ડ્રોન ટીમો ઉપરથી સતત નજર રાખી રહી છે. મુદુમલાઈ અને ઉટી ફોરેસ્ટ ડિવિઝનના કર્મચારીઓ પણ ઓપરેશનમાં જોડાયા છે. નીલગિરીમાં સતત વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે વાઘની હિલચાલ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. ગુડાલુરના ફોરેસ્ટ ઓફિસર દેવરાજે સ્થાનિક લોકોને વાઘ ન પકડાય ત્યાં સુધી ખાસ સાવચેતી રાખવા, રાત્રે અને વહેલી સવારે એકલા બહાર ન નીકળવા તથા જંગલ કે પ્લાન્ટેશન વિસ્તારની નજીક ન જવાની અપીલ કરી છે.
નીલગીરી જિલ્લામાં માનવભક્ષી વાઘને પકડવા માટે વન વિભાગ આકાશ -પાતળ એક કરી રહ્યું છે. સ્થાનિકોની માગણી છે કે જલદીથી જલદી માનવભક્ષી વાઘને પકડવામાં આવે..
----- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

