VIDEO: કૃતિ સેનનની રાખડી એડ પર કેમ ભડકી કંગના રનૌત? જાણો કપડાં સિવાય કઈ બાબતે વિવાદ સળગાવ્યો
રક્ષાબંધનની એક વિજ્ઞાપને એવો વિવાદ ઊભો કર્યો છે કે જેની ગૂંજ બોલિવૂડથી લઈને રાજકારણ સુધી સંભળાઈ રહી છે. જ્વેલરી બ્રાન્ડ 'જીવા' (GIVA) ના આ એડમાં કૃતિ સેનનના લુક પર કંગના રનૌતે સવાલો ઉઠાવ્યા હતા, જેના પછી ઉગ્ર વિવાદ શરૂ થયો હતો. કૃતિએ પોતાના પહેરવેશનો બચાવ કરતા કહ્યું હતું કે સંસ્કૃતિ અને પરંપરાઓ કપડાંથી નહીં પરંતુ હૃદયથી જોડાયેલી હોય છે. વિવાદ વધતાં જીવા બ્રાન્ડે એડ પાછી ખેંચી લીધી છે. પરંતુ હવે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સ્પષ્ટતા કરી છે કે તેમને કૃતિના કપડાં કરતાં પણ વધુ વિજ્ઞાપનમાં દર્શાવાયેલી એક અન્ય બાબત સામે વાંધો હતો. આ મુદ્દે બોલતી વખતે તેમણે રાહુલ ગાંધીના સમર્થન પર પણ સવાલો ઊડા કર્યા છે. આખરે કંગનાની નજરમાં એડની સૌથી મોટી ખામી શું હતી?
ખરેખર, જ્વેલરી બ્રાન્ડ જીવાની આ એડ પર શરૂ થયેલો વિવાદ હવે કપડાંથી આગળ વધીને તહેવારોની રજૂઆત, સંસ્કૃતિ અને મહિલાઓની પસંદગી સુધી પહોંચી ગયો છે. એડમાં કૃતિ આઇવરી બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટમાં રક્ષાબંધન મનાવતી જોવા મળી હતી. એક ઇન્ટરવ્યુમાં કંગનાએ સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ માત્ર કૃતિના કપડાં પૂરતો સીમિત નહોતો.
કપડાં નહીં તો કંગના રનૌતને કઈ બાબત સામે હતો વાંધો?
એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે કોઈને પણ તેમની પસંદગીના કપડાં પહેરતા રોકવાનો સવાલ જ નથી. તેમના જણાવ્યા મુજબ અસલી મુદ્દો એ છે કે કોઈ પરંપરાગત તહેવારને જાહેરાતમાં કઈ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. કંગનાને પૂછ્યું કે 'શું કૃતિ ઈદના એડમાં પણ આવી જ ડ્રેસ પહેરશે?', ત્યારે તેમણે મુસ્લિમ રીત-રિવાજો અને હિંદુ સંબંધો અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. કંગનાએ કહ્યું કે હિંદુ સંબંધોમાં વધુ ગરિમા અને સીમાઓ હોય છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે એડમાં કૃતિનું બ્રાલેટ પહેરવું એ સૌથી મોટી સમસ્યા નહોતી.
કંગના રનૌતે કૃતિ સેનનના પહેરવેશ અંગે વાત કરતાં કહ્યું, "તેમને પોતાની મરજીના કપડાં પહેરતા કોણ રોકી રહ્યું છે? તેમને આજે સુધી કોણે રોકી છે? કોને પડી છે કે તે શું પહેરીને આવે છે." કંગનાએ આગળ ઉમેર્યું, "મને લાગે છે કે બ્રાલેટ તો તેમાં ખૂબ નાની બાબત હતી. સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે જે પરંપરામાંથી આવીએ છીએ, તેમાં માતા-પિતા ક્યાં છે? ઘર ક્યાં છે? હલવો-પૂરી, ભગવાન, તિલક, અક્ષત, ધૂપ, દીવો... આમાંથી કંઈ પણ શા માટે નથી? તમે કહો છો કે એસ્થેટિક્સ (સૌંદર્ય શાસ્ત્ર) મહત્વ નથી ધરાવતા, પરંતુ એવું નથી, તિલક અને રીત-રિવાજો વિના રક્ષાબંધનનો તહેવાર ન ચાલે." કંગનાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે સનાતન પરંપરાઓને જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આવી જાહેરાતો દ્વારા સાંસ્કૃતિક મૂલ્યોની અણગણના કેમ કરવામાં આવી રહી છે? કંગનાએ ભારપૂર્વક કહ્યું કે તિલક વિના રાખડી ન ચાલે. તેમના મતે તહેવાર માત્ર એક રસમ નથી, પરંતુ કોઈ સંસ્કૃતિ અને સભ્યતાની સુંદર ઓળખ પણ છે.
રાહુલ ગાંધી પર પણ સાધ્યું નિશાન
આ વિવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઝંપલાવવા પર પણ કંગનાએ પ્રતિક્રિયા આપી હતી. રાહુલે કૃતિનું સમર્થન કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મહિલાઓ શું પહેરે છે તે તેમની પોતાની પસંદગી છે, સાથે જ તેમણે #SmashThePatriarchy નો ઉપયોગ કર્યો હતો. કંગનાએ રાહુલ ગાંધીના આ સમર્થન પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલની પોસ્ટમાં 'રક્ષાબંધન' શબ્દનો ઉલ્લેખ પણ નહોતો. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીનો વિચાર 'સનાતન ધર્મ વિરોધી' છે અને તેમણે અન્ય ધર્મોની મહિલાઓના પહેરવેશ સાથે આની સરખામણી કરીને રાજકીય સવાલો થયા હતા.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
જ્વેલરી બ્રાન્ડ જીવાના રક્ષાબંધન કેમ્પેઇનમાં કૃતિ સેનનને ઇન્ડો-વેસ્ટર્ન બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરેલી દર્શાવાઈ હતી. એડમાં કૃતિ પોતાના ભાઈ ઉપરાંત પોતાના પાલતુ શ્વાનને પણ રાખી બાંધતી નજરે પડી હતી. એડ જોઈને કંગનાનું પહેલું રિએક્શન આવ્યું હતું. કંગનાએ સોશિયલ મીડિયા પર આ એડને 'ઈરાદાપૂર્વક ક્રીપી (વિચિત્ર)' ગણાવી હતી અને સવાલ કર્યો હતો કે આટલા બધા કપડાંના વિકલ્પો હોવા છતાં કોઈ બિકીની કે અંડરગારમેન્ટ્સમાં પોતાના ભાઈને રાખી કેમ બાંધે?
કૃતિ સેનનનો જવાબ
વિવાદ વધતો જોઈ કૃતિ સેનને સ્પષ્ટતા આપી હતી. તેણે કહ્યું હતું કે સંસ્કૃતિ અને પરંપરાઓ કોઈની નેકલાઇનમાં નહીં પરંતુ તેના હૃદયમાં હોય છે. કૃતિના આ નિવેદન પછી પણ સોશિયલ મીડિયા પર વિવાદ ચાલ્યો હતો.
જીવા બ્રાન્ડે કેમ એડ પાછી ખેંચી?
સતત વિવાદ અને સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ વચ્ચે જીવા બ્રાન્ડે તમામ માધ્યમોમાંથી એડ પાછી ખેંચી લીધી છે. કંપનીએ જણાવ્યું કે તેઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોનું પૂર્ણ સન્માન કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એડનો હેતુ પરિવાર સાથે તહેવાર ઉજવવાની ખુશીને પાલતુ પ્રાણીઓ સુધી પહોંચાડવાનો હતો, પરંતુ જો તેનાથી સમાજના કોઈ વર્ગની ભવનાઓ દુભાઈ તો તે તેમનો ઉદ્દેશ્ય નહોતો. કંપનીએ આદરના ભાગરૂપે વિજ્ઞાપન પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો.

