VIDEO: 'રામાયણ'ના ટ્રેલરથી ફેન્સ કેમ નિરાશ? 4 મિનિટના ટ્રેલરમાં પણ હનુમાન બનેલા સની દેઓલ ના દેખાયા!
રણબીર કપૂર અને યશ સ્ટારર પૌરાણિક ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર (Ramayana Trailer) મેકર્સ દ્વારા આજે સવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ચારેય બાજુ આ ભવ્ય ફિલ્મની સ્ટારકાસ્ટની ચર્ચા થઈ રહી છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે, આ વખતે પણ સની દેઓલ (Sunny Deol) રામાયણના ટ્રેલરમાંથી ગાયબ જોવા મળ્યા છે.
4 મિનિટ 10 સેકન્ડના આ લેટેસ્ટ ટ્રેલરમાં ભગવાન હનુમાનના રોલમાં સની દેઓલની એક ઝલક પણ જોવા ન મળતા ફેન્સ નિરાશ થયા છે અને હવે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા સની દેઓલ
ડાયરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નામિત મલ્હોત્રાની 'રામાયણ'માં સની દેઓલને ભગવાન હનુમાનના રોલમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ટીઝરથી લઈને ટ્રેલર સુધી ફિલ્મની મોટાભાગની કાસ્ટ અને પાત્રોના લુક સામે આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી સની દેઓલની કોઈ ઝલક બતાવવામાં આવી નથી.
આ જ કારણે સોશિયલ મીડિયા પર સની દેઓલનું નામ સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. અનેક યુઝર્સ એવી માંગ કરી રહ્યા છે કે સની દેઓલનો હનુમાન લુક વહેલામાં વહેલી તકે રિલીઝ કરવામાં આવે. એક યુઝરે લખ્યું, "જો સની દેઓલનો હનુમાન લુક પણ જોવા મળી ગયો હોત, તો ટ્રેલર વધુ શાનદાર લાગત."
આ સિવાય કેટલાક યુઝર્સ મેકર્સને એવો પણ સવાલ પૂછી રહ્યા છે કે આખરે સની દેઓલના લુકને આટલો બધો છુપાવીને કેમ રાખવામાં આવી રહ્યો છે? જોકે, આ અંગેની સાચી માહિતી માત્ર ફિલ્મના નિર્માતાઓ જ આપી શકે છે.

શું બીજા ટ્રેલરમાં દેખાશે ઝલક?
તમને જણાવી દઈએ કે, 'રામાયણ'ને CBFC તરફથી બે ટ્રેલરનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ આધાર પર એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મના બીજા ટ્રેલરમાં ચાહકોને હનુમાનના રોલમાં સની દેઓલની ઝલક જોવા મળી શકે છે.
સની દેઓલની આગામી ફિલ્મ
'રામાયણ પાર્ટ 1' પહેલાં સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બંટવારા 1947' સિનેમાઘરોમાં દસ્તક આપશે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.

