વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા વિરાટ-અનુષ્કા, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર જગાવી ચર્ચા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ફરી એકવાર વૃંદાવન પહોંચ્યા છે. આ કપલે વૃંદાવન પહોંચીને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. એક વીડિયોમાં બંને રાધા કેલી કુંજ આશ્રમમાં ઉઘાડા પગે ચાલતા નજરે પડે છે. વિરાટ અને અનુષ્કાની વૃંદાવન યાત્રા પર સોશિયલ મીડિયા યુઝર્સના વિવિધ રિએક્શન પણ આવ્યા છે.
પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા
વિરાટ અને અનુષ્કાના જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં જોઈ શકાય છે કે, આ કપલ ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યું હતું. બંનેએ ચહેરા પર માસ્ક લગાવેલું હતું.
વિરાટ અને અનુષ્કાની સાદગીથી પ્રભાવિત થયા ફેન્સ
વીડિયોમાં વિરાટ અને અનુષ્કા કાદવમાં ઉઘાડા પગે ચાલતા જોવા મળી રહ્યા છે. તેમના હાથમાં પ્રસાદ છે. આ મુલાકાત માટે અનુષ્કા શર્માએ સફેદ રંગનો સિમ્પલ સલવાર સૂટ પહેર્યો હતો, જેના પર વાદળી રંગની ફ્લોરલ ડિઝાઇન હતી. જ્યારે વિરાટ કોહલી સિમ્પલ પેન્ટ-શર્ટમાં જોવા મળ્યો હતો. વિરાટ અનુષ્કાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો.
2026માં IPLનો ખિતાબ જીત્યા બાદ પણ પહોંચ્યા હતા વૃંદાવન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, છેલ્લાં ઘણાં વર્ષોથી વૃંદાવન જઈ રહ્યા છે. ફેન્સને આ કપલનો આ અંદાજ હંમેશા પસંદ આવ્યો છે. આ પહેલા RCBની IPL 2026નો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો હતો.
વિરાટ-અનુષ્કાની ટ્રોલિંગ કેમ કરી રહ્યા છે લોકો?
વિરાટ અને અનુષ્કાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝર્સે આ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે, વિરાટ અને અનુષ્કાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન (સ્ટુડન્ટ પ્રોટેસ્ટ) પર કંઈ પણ ન કહ્યું. એક યુઝરે લખ્યું કે, 'આ દેશના બાળકો માટે બોલો, જે દેશમાં ચાલી રહ્યું છે, તેના પર મૌન સેવીને બેઠા છો. આ બાળકોએ જ તમને બનાવ્યા છે.' બીજા એક યુઝરે લખ્યું, 'એમનું અલગ જ ચાલે છે, અલગ દુનિયામાં રહે છે બંને.' અન્ય એક યુઝરે કહ્યું કે 'ધાર્મિક હોવું સારી વાત છે, પરંતુ તમે જે રીતે બાળકોના મુદ્દે ચૂપ છો, તે સારી વાત નથી.'
ફેન્સે કરી વિરાટ-અનુષ્કાની પ્રશંસા
બીજી તરફ ઘણા યુઝર્સે વિરાટ અને અનુષ્કાની પ્રશંસા પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, 'તમે જે સ્થાન પર છો, ત્યાં આટલું ધાર્મિક હોવું મુશ્કેલ છે. પરંતુ તમે બંને હંમેશાં ભગવાનની ભક્તિમાં લીન રહો છો.' ઘણા બધા યુઝર્સે 'જય શ્રી રામ' અને 'રાધે-રાધે' લખીને પ્રેમ વ્યક્ત કર્યો છે.

