એક્શન સીન શૂટ કરતી વખતે ઉર્વશી રૌતેલા સાથે બની મોટી દુર્ઘટના, હોસ્પિટલમાં એડમિટ થઈ એક્ટ્રેસ
અભિનેત્રી ઉર્વશી રૌતેલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ

અભિનેત્રી ઉર્વશી રૌતેલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉર્વશી એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેના હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પછી તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. હાલ અભિનેત્રીની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં એડમિટ થઈ ઉર્વશી રૌતેલા
એક અહેવાલ મુજબ, ઉર્વશી હૈદરાબાદમાં નંદમુરી બાલકૃષ્ણની આગામી તેલુગુ ફિલ્મ ‘NBK 109’ પર કામ કરી રહી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઈ હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ઉર્વશીની ટીમે પણ તેના હોસ્પિટલમાં એડમિટ થવાના સમાચારની પુષ્ટિ કરી હતી અને જાહેર કર્યું હતું કે તેને ગંભીર ઇજા પહોંચી છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રી અત્યારે ખૂબ જ તકલીફમાં છે, પરંતુ તેને તમામ બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
ત્રીજા શેડ્યૂલનું શૂટિંગ કરી રહી હતી ઉર્વશી
ઉલ્લેખનીય છે કે, ‘NBK 109’માં ઉર્વશી રૌતેલા મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મના ત્રીજા શેડ્યૂલના શૂટિંગ માટે તે હૈદરાબાદ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીને ઈજા થઈ હતી. હાલમાં, ઉર્વશીના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોવાઈ રહી છે. ઉર્વશીએ હૉસ્પિટલમાંથી કોઈ તસવીર કે વીડિયો અપલોડ કર્યો નથી. હાલમાં, ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
‘NBK 109’ ક્યારે રિલીઝ થશે?
ઉલ્લેખનીય છે કે, નંદમુરી બાલકૃષ્ણની ‘NBK 109’ નવેમ્બર 2023માં ફ્લોર પર ગઈ હતી. કોલ્લી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બોબી દેઓલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં દુલકર સલમાન અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં હશે. ફોર્ચ્યુન ફોર સિનેમા, સિતારા એન્ટરટેઈનમેન્ટ્સ અને શ્રીકારા સ્ટુડિયો દ્વારા નિર્મિત. આ ફિલ્મ ઓક્ટોબર 2024 સુધીમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
ઉર્વશી રૌતેલાનું વર્કફ્રન્ટ
ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, નંદામુરી બાલકૃષ્ણાની ‘NBK 109’ ઉપરાંત, અભિનેત્રી પાસે સની દેઓલ, મિથુન ચક્રવર્તી અને સંજય દત્ત સાથે ‘બાપ’ ફિલ્મ પણ છે. તે રણદીપ હુડ્ડાની ‘અવિનાશ 2’માં પણ જોવા મળશે.








