'Bhagam Bhag'ની સિક્વલમાંથી આ દિગ્ગ્જ એક્ટરનું પત્તું કપાયું, Manoj Bajpayee કરશે રિપ્લેસ!

ગોવિંદાને ફિલ્મ 'ભાગમ ભાગ'ની સિક્વલમાં મનોજ બાજપેયી દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ ફેરફારથી ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે ગોવિંદાની કોમેડી સ્ટાઈલને કોઈ રિપ્લેસ કરી શકે નહીં.
ક્યારેક બોલિવૂડના 'હીરો નંબર 1' રહેલા ગોવિંદાને છેલ્લે 2019માં આવેલી ફ્લોપ ફિલ્મ 'રંગીલા રાજા'માં પડદા પર જોવા મળ્યા હતા. ત્યારથી તેઓ સ્ક્રીન પરથી ગાયબ છે અને માત્ર રિયાલિટી શો કે ઈવેન્ટ્સમાં જ દેખાય છે. આજકાલ તેઓ લગ્ન કે અન્ય ફંક્શનમાં ડાન્સ પરફોર્મન્સ આપી રહ્યા છે, આ સિવાય તેઓ રાજકારણમાં પણ વ્યસ્ત છે. તેમના કરિયરમાં આવેલા આ ડાઉનફોલથી ફેન્સ ચિંતિત છે.
મનોજ બાજપેયી કરશે ગોવિંદાને રિપ્લેસ?
લોકો ગોવિંદાના ગ્રાન્ડ કમબેકની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોવિંદાને હિટ ફિલ્મ 'ભાગમ ભાગ'ની સિક્વલમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેઓ પહેલા ભાગનો મહત્ત્વનો હિસ્સો હતા અને ફેન્સને આશા હતી કે સિક્વલમાં પણ ગોવિંદાની કોમેડી જોવા મળશે. પરંતુ હવે એવું થતું દેખાઈ રહ્યું નથી. અટકળો છે કે ગોવિંદાની જગ્યા મનોજ બાજપેયીએ લીધી છે.
રિપોર્ટ અનુસાર, ભાગમ ભાગના મેકર્સે મનોજ બાજપેયીને મહત્ત્વના રોલ માટે પસંદ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં નવી સ્ટોરીલાઇન સાથે વાર્તા કહેવામાં આવશે. જેનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરશે. મીનાક્ષી ચૌધરી ફીમેલ લીડ તરીકે હશે, જે આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં કમબેક કરી રહી છે. તેને અક્ષય કુમારની ઓપોઝિટ કાસ્ટ કરવામાં આવશે. મનોજ બાજપેયી સામે હજુ કોઈ હિરોઈન ફાઈનલ કરવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી મુંબઈમાં શરૂ થશે.
ફેન્સ નારાજ
ગોવિંદાના રિપ્લેસમેન્ટના સમાચાર હજુ મેકર્સ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યા નથી, પરંતુ કાસ્ટિંગમાં થયેલા આ ફેરફારથી સોશિયલ મીડિયા યુઝર્સ અને ખાસ કરીને ગોવિંદાના ફેન્સ નાખુશ છે. એક યુઝરે રેડિટ પર લખ્યું - "સોરી, પણ મનોજ બાજપેયી ગોવિંદા જેવી કોમેડી ન કરી શકે." બીજાએ લખ્યું - "ફિલ્મમાં ગોવિંદાને પાછા લાવવા જોઈએ. જો ફિલ્મમાં ગોવિંદા નથી, તો 'ભાગમ ભાગ' બનાવવી જ ન જોઈએ."
ફિલ્મ 'ભાગમ ભાગ' 2006માં આવી હતી, જેનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું. તેમાં અક્ષય કુમાર, ગોવિંદા, પરેશ રાવલ, લારા દત્તા, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.

