VIDEO: કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની ગાથા: પૂર અને સુનામી પર બનેલી 7 મસ્ટ-વોચ ફિલ્મો
નેપાળ-ચીન સરહદ પર તાજેતરમાં આવેલા વિનાશક પૂરે એકવાર ફરી કુદરતના ભયાનક સ્વરૂપને સામે લાવીને ઊભું કરી દીધું છે. સુનામીની ઊછળતી વિશાળ લહેરો અને બેકાબૂ બનતી નદીઓથી લઈને ડૂબતાં શહેરો અને સમુદ્રમાં ઊઠતાં તોફાનો સુધી, પાણીનું આ વિકરાળ સ્વરૂપ પળભરમાં બધું જ તણખલાની જેમ વહાવી જાય છે. સિનેમાએ પણ હંમેશા જળપ્રલયની ઘટનાઓને મોટા પડદા પર ઉતારી છે. આજે તમને એવી ફિલ્મો વિશે જણાવશું, જે પૂર જેવી કુદરતી આપત્તિ વચ્ચે માનવીય સંઘર્ષની રૂવાડાં ઊભાં કરી દે તેવી વાર્તાઓ રજૂ કરે છે.
કેદારનાથ (Kedarnath)
વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલી ભયાનક કુદરતી હોનારત પર બનેલી 'કેદારનાથ' એક સુંદર પ્રેમકથા અને આપત્તિ ડ્રામાનું શ્રેષ્ઠ મિશ્રણ છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનના પાત્રો વચ્ચે પાંગરતા પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. જ્યારે હિમાલયના વિસ્તારમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવે છે, ત્યારે આ આપત્તિ તેમની ભાવો, સંબંધો અને જીવ બચાવવાની મથામણ કઠિન પરીક્ષાના મોડ પર લાવીને ઊભી કરી દે છે.
2018 (2018)
આ મલયાલમ સરવાઇવલ ડ્રામા ફિલ્મ 2018માં કેરળમાં આવેલા વિનાશક પૂરની ત્રાજડીને પડદા પર જીવંત કરે છે. ટોવિનો થૉમસ, કુંચાકો બોબન અને આસિફ અલી જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મ કેટલાય અલગ-અલગ પાત્રોની વાર્તાઓને એકસાથે જોડે છે. આપત્તિના એ ભયાનક સમયમાં લોકોનો સંઘર્ષ, એકબીજાને મદદ કરવાનો જઝબો અને સામૂહિક એકતા જ આ ફિલ્મની અસલી તાકાત બનીને ઊભરે છે. આ ફિલ્મનું નિર્દેશન જૂડ એન્થની જોસેફે કર્યું છે.
ધ ઇમ્પસિબલ (The Impossible)
2004માં હિંદ મહાસાગરમાં આવેલી વિનાશક સુનામીથી પ્રભાવિત એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ રૂવાડાં ઊભાં કરી દે તેવી છે. થાઇલેન્ડમાં રજાઓ દરમિયાન આવેલી વિશાળ લહેરો બાદ મારિયા, હેન્રી અને તેમના બાળકો એકબીજાથી વિખૂટાં પડી જાય છે. આ ફિલ્મ માત્ર સુનામીના કારણે થયેલી ભયાનક તબાહીને જ નથી દર્શાવતી, પરંતુ આવી કઠિન પરિસ્થિતિઓમાં જીવ બચાવવા અને પરિવારને ફરી મેળવવાની અખંડ આશાને પણ ઊંડાણપૂર્વક સ્પર્શે છે.
ધ ગ્રેટ ફ્લડ (The Great Flood)
આ સાઉથ કોરિયન સાયન્સ-ફિક્શન ફિલ્મ પૂરની ત્રાજડીને એક ભવિષ્યવાદી (ફ્યુચરિસ્ટિક) દૃષ્ટિકોણથી રજૂ કરે છે. વાર્તામાં ચારેય તરફ પાણી ભરાઈ ગયા પછી એક સંશોધક અને તેનું બાળક ડૂબતી બહુમાળી ઇમારતની અંદર ફસાઈ જાય છે. ફિલ્મમાં જળપ્રલય વચ્ચે જીવ બચાવવાના જંગ સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને સાયન્સ-ફિક્શન તત્વોનું ખૂબ જ રોમાંચક અને નવું સંયોજન જોવા મળે છે, જે દર્શકોને જકડી રાખે છે.
નોઆ (Noah)
દિગ્દર્શક ડેરેન એરોનોફ્સ્કીની ફિલ્મ 'નોઆ' બાઇબલમાં વર્ણવાયેલી જળપ્રલયની મહાગાથાને મોટા પડદા પર અત્યંત ભવ્ય અને સિનેમેટિક રૂપમાં રજૂ કરે છે. રસેલ ક્રોએ તેમાં નોઆની મુખ્ય ભૂમિકા ભજવી છે. વાર્તા એ મહાન વિનાશક પૂરની આસપાસ ફરે છે જે આખી દુનિયાને જળમગ્ન કરવાની હોય છે. નોઆ ઈશ્વરના સંદેશ પર સૃષ્ટિના પ્રાણીઓ અને પોતાના પરિવારને બચાવવા માટે એક વિશાળ જહાજનું નિર્માણ કરે છે.
ફ્લડ (Flood)
આ બ્રિટીશ ફિલ્મ લંડન શહેર પર મંડરાતા એ મોટા ખતરાની કલ્પના કરે છે, જ્યારે એક ભયંકર દરિયાઈ તોફાન ટેમ્સ બેરિયરને તોડી નાખે છે. શહેરમાં ઝડપથી પાણી ભરાવા લાગે છે અને ઐતિહાસિક ઇમારતો જળમગ્ન થવા લાગે છે. એવામાં એન્જિનિયર્સ, ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ અને સરકારી અધિકારીઓ શહેરને પૂરેપૂરું ડૂબતું બચાવવા અને આ ભયાનક તબાહીને રોકવા માટે સમય સામે જંગ લડે છે.
ટાઇડલ વેવ (Tidal Wave)
આ સાઉથ કોરિયન ફિલ્મ દરિયાકાંઠાના શહેર હેઉન્ડે પર આવનારી ભયાનક સુનામીની વાર્તા છે. ફિલ્મમાં શહેરના સામાન્ય લોકોનું અંગત જીવન, તેમના પરસ્પર સંબંધો અને અચાનક આવેલી વિશાળ દરિયાઈ લહેરોના કારણે થયેલા મોટા પાયાના વિનાશને દર્શાવવામાં આવ્યો છે. સુનામીની ભયાનકતા વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે લોકોનો સંઘર્ષ દર્શકને અંત સુધી જકડી રાખે છે.

