VIDEO: ફિલ્મ‘માફિયાના દબાણમાં મન મારીને ગાયું...’: બોલિવૂડના કાળા ચિઠ્ઠા પર સિંગર કુમાર સાનુનો સનસનાટીભર્યો દાવો!
કુમાર સાનુને હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી પ્રખ્યાત ગાયકોમાંથી એક માનવામાં આવે છે. તેમણે 1990ના દાયકાની હિટ ફિલ્મોમાં ઘણા યાદગાર ગીતો ગાયા હતા. જેમાં ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’, ‘એક લડકી કો દેખા’, ‘દો દિલ મિલ રહે હૈં’, ‘તુમ મિલે દિલ ખિલે’, ‘તુઝે દેખા તો યે જાના સનમ’, ‘આંખોં કી ગુસ્તાખિયાં’, ‘ચુરા કે દિલ મેરા’, ‘બાઝીગર ઓ બાઝીગર’, ‘યે કાલી કાલી આંખેં’ અને ‘ધીરે-ધીરે સે મેરી ઝિંદગી મેં આના’ સામેલ છે. લોકો આજે પણ તેમના ગીતો ગણગણવાનું પસંદ કરે છે. કુમાર સાનુએ શાનદાર ગીતો ઉપરાંત દ્વિઅર્થી (ડબલ મિનિંગ) ગીતો પણ ગાયા, પરંતુ તેમણે મન મારીને એવું કરવું પડ્યું હતું.
દિગ્ગજ ગાયક કુમાર સાનુ અશ્લીલ ગીતોના વિરોધમાં હતા, છતાં તેમને આવા ગીતો ગાવા પડ્યા હતા. તેમણે એક નવા ઈન્ટરવ્યુમાં 1990ના દાયકામાં ગવાયેલા ગીતો પર વાત કરી છે. તેમણે કહ્યું કે તેમણે એવા ગીતોથી અંતર જાળવ્યું જે શાલીન નહીં પરંતુ અશ્લીલ હતા, જોકે, ક્યારેક-ક્યારેક તેમને ‘ફિલ્મ માફિયા’ના દબાણ સામે ઝૂકવું પડ્યું હતું. કુમાર સાનુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મારો એક સિદ્ધાંત એ હતો કે હું મારા ગીતોમાં અશ્લીલતા નહીં લાવું. પરંતુ એક-બે વાર એવું બન્યું કે હું આ સિદ્ધાંત પર અડગ ન રહી શક્યો, કારણ કે મારા પર એટલું દબાણ હતું કે મારે તે ગાવા જ પડ્યા, નહીંતર વાત બને તેમ નહોતી.’
અશ્લીલ ગીતોથી હંમેશાં દૂર રહ્યા
‘ફિલ્મ માફિયા’ના દબાણ છતાં કુમાર સાનુ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા છે. તેઓ બોલ્યા, ‘મારી પાસે એક-બે એવા ગીતો છે. જેમ કે ‘રાજ ગયા તબલા તબલે મેં...’, આ જ કેટેગરીમાં આવે છે. મેં હંમેશાં અશ્લીલ ગીતોથી અંતર જાળવ્યું છે અને આજે પણ રાખું છું. હું આજે પણ આ જ સિદ્ધાંત પર કાયમ છું. તેમાં એક વાત એ છે કે ખબર નહીં મારું નુકસાન તો બહુ થયું, પણ મને તેનાથી કોઈ ફરક નથી પડતો.’
ઉદિત નારાયણના વિવાદ પર કસ્યો તંજ
કુમાર સાનુએ ગત વર્ષે સિંગર ઉદિત નારાયણ સાથે જોડાયેલા વિવાદ પર તંજ કસ્યો હતો. કુમાર સાનુને ‘ધ લલ્લનટોપ’માં ઉદિત નારાયણની 1990ના દાયકાની પોપ્યુલરિટી વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે ફેન્સને કિસ કરવાની ઘટના પર કમેન્ટ કરી હતી. તેઓ બોલ્યા, ‘ના મને કોઈ કિસ-વિસ નથી કરી. ના મેં કોઈને કરી. ના તો મેં કિસ આપી, ના લીધી. મેં એ બધું નથી કર્યું.’ કુમાર સાનુનું આ નિવેદન ઉદિત નારાયણના એ વાયરલ કોન્સર્ટ વીડિયોના એક વર્ષ પછી આવ્યું છે, જેમાં તે મહિલા ફેન્સને કિસ કરતા જોવા મળ્યો હતો, જેમાં એક સીનમાં તે ફેન્સને હોઠ પર કિસ કરતા પણ દેખાયો હતો. તે વીડિયોને લઈને તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

