VIDEO: લાલબાગચા રાજાના દરબારે પહોંચ્યા સંજય દત્ત: બાપ્પાના ચરણોમાં ઝુકાવ્યું શીશ
મુંબઈમાં ગણેશ ઉત્સવની ધૂમ મચેલી છે. ચારેય તરફ બાપ્પાના જયકારા ગૂંજી રહ્યા છે અને લાલબાગચા રાજાના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ ઉત્સવ વચ્ચે બોલીવૂડ એક્ટર સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત સાથે ‘લાલબાગચા રાજા’ના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની પત્ની સાથે બાપ્પાના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેઓ પંડાલમાં ભારે ભીડ વચ્ચે પત્ની માન્યતાનું ખાસ ધ્યાન રાખતા પણ જોવા મળ્યા છે. જોકે, હવે એક વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પત્ની માન્યતાની માંગ પૂરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે, સત્ય એ છે કે તેમણે પત્નીને માત્ર તિલક જ કર્યું છે.
ગણેશોત્સવ દરમિયાન સંજય દત્ત પરંપરાગત ઓરેન્જ કુર્તામાં જોવા મળ્યા હતા. જ્યારે માન્યતા દત્ત પિંક કલરના પરંપરાગત સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેએ પંડાલમાં પહોંચીને ગણપતિ બપ્પાના ચરણોમાં શીશ ઝુકાવ્યું, આરતીમાં ભાગ લીધો અને આશીર્વાદ લેતા જોવા મળ્યા. આ પછી બાપ્પાનું તિલક લગાવ્યું. આ દરમિયાન તેઓ પત્ની માન્યતાના કપાળ પર પણ તિલક કરતા જોવા મળ્યા છે.
સંજૂ બાબાએ પત્નીને કર્યું તિલક
દર્શન દરમિયાન સંજય દત્તે પહેલા પોતે બાપ્પાના ચરણોમાંથી તિલક લઈને પોતાના કપાળ પર લગાવ્યું. અને પછી ખૂબ જ પ્રેમથી પત્ની માન્યતાના કપાળ પર પણ તિલક કર્યું. સોશિયલ મીડિયા પર તેમની આ ખાસ અને ઈમોશનલ ક્ષણ ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, કેટલાક વીડિયોમાં એવો એંગલ સામે આવી રહ્યો છે કે તેઓ પત્નીની માંગ પૂરતા જોવા મળ્યા છે. વાસ્તવમાં વીડિયોમાં બીજી તરફથી જોઈને એવું લાગે છે, તેથી હકીકતમાં તેમણે પત્નીને તિલક કર્યું છે, માંગ પૂરી નથી. પરંતુ જે પ્રેમથી તેઓ ટીકો લગાવી રહ્યા છે, તે મોમેન્ટે ફેન્સના દિલ જીતી લીધા છે.
દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા સંજય દત્તે પોતાની ઊંડી આસ્થા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, "એ મારી સદભાગી વાત છે કે મને ફરી એકવાર લાલબાગચા રાજાના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. હું અહીં એટલા માટે આવ્યો છું કારણ કે બાપ્પાએ મને બોલાવ્યો છે. મારી એ જ પ્રાથના છે કે બાપ્પા મને દર વર્ષે આવી જ રીતે પોતાની પાસે બોલાવતા રહે અને હું દર વખતે તેમના દર્શન માટે આવતો રહું."
આ સ્ટાર્સ પણ પોતાના પરિવાર સાથે જોવા મળ્યા
મુંબઈના ગણેશ ઉત્સવમાં દર વર્ષે ફિલ્મી દુનિયાની હસ્તીઓ લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચે છે. સંજય દત્ત પહેલા બોલીવૂડના ‘કિંગ’ શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે બપ્પાની આરતીમાં સામેલ થયા હતા. તો વળી રણવીર સિંહ પણ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં, સોશિયલ મીડિયા પર સંજય દત્ત અને માન્યતાના ગણેશ દર્શનના ફોટા અને વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

