પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કર્યો, બલુચિસ્તાનને અલગ દેશ બનાવવાની માંગથી PAK ભડક્યું

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બલુચિસ્તાન પરના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સલમાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં તેમણે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું અને કહ્યું, "બલુચિસ્તાન અને પાકિસ્તાનના લોકો." આ નિવેદનથી પાકિસ્તાનીઓને ખૂબ જ આઘાત લાગ્યો છે, અને તેને એક ભયાવહ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
સલમાન ખાને શું કહ્યું હતું?
સાઉદી અરબમાં એક ફોરમને સંબોધિત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે, આ બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક સાઉદી અરબમાં મહેનતથી કામ કરી રહ્યા છે. આ જ નિવેદન પર પાકિસ્તાનને મરચું લાગી ગયું હતું. વાસ્તવમાં લાંબા સમયથી બલુચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવા માટે આંદોલન ચાલી રહ્યું છે જેને પાકિસ્તાની સેના પોતાના અત્યાચારોથી કચડી નાખવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાનના નિવેદનથી પણ એવું લાગતું હતું કે તેઓ બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ જણાવી રહ્યા છે.
એક તરફ જ્યાં પાકિસ્તાનને મરચું લાગી ગયું છે તો બીજી તરફ બલુચિસ્તાનના નેતાઓ તેમનાથી ખુશ છે. તેમણે સલમાન ખાનનો આભાર પણ માન્યો છે. જોકે અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે સલમાન ખાને વાતો વાતોમાં આવું કહી દીધું હતું કે જાણીજોઈને બલુચિસ્તાનનું અલગથી નામ લીધું હતું.
ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાનમાં આઝાદી માટેનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. અવારનવાર અહીં હિંસાની ઘટનાઓ પણ સામે આવે છે. વાસ્તવમાં બલુચિસ્તાન કુદરતી સંસાધનોની દૃષ્ટિએ ધનિક છે પરંતુ આર્થિક રીતે આ વિસ્તાર ઘણો પછાત છે. અહીં ચીનના પ્રોજેક્ટ્સનો પણ વિરોધ થતો રહે છે. અવારનવાર વિદ્રોહીઓ પાકિસ્તાની સેના અથવા અન્ય વિસ્તારના લોકોને નિશાન બનાવે છે. બલુચિસ્તાન પાકિસ્તાનના 46 ટકા ભાગમાં છે પરંતુ અહીંની વસ્તી માત્ર 1.5 કરોડની આસપાસ છે.

