રોઝલિન ખાને કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુને આપી નોટિસ, આ 3 માંગણીઓ કરી, જાણો શું છે સમગ્ર મામલો

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર ફરી એકવાર વિવાદ થયો છે. એક્ટ્રેસ અને કેન્સર સર્વાઈવર રોઝલિન ખાને કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુને લીગલ નોટિસ મોકલી છે. તેમજ માંગ કરી હતી કે બંને લોકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ. આરોપ છે કે કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુએ કેન્સરને લગતી ખોટી માહિતી રજૂ કરી હતી અને શોમાં કરવામાં આવેલા દાવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
આ પણ વાંચો: કોર્ટ સુધી પહોંચી ધનુષ-નયનતારાની લડાઈ, મદ્રાસ હાઈકોર્ટે એક્ટ્રેસ પાસેથી માંગ્યો જવાબ
આવો વિગતે જણાવીએ કે આ સમગ્ર મામલો શું છે અને નોટિસમાં રોઝલિન ખાને કપિલ શર્મા અને નવજોત સિદ્ધુ પર કયા આરોપો લગાવ્યા છે.
કેન્સરની સારવાર અંગે નવજોત સિંહ સિદ્ધુનો દાવો
એક અહેવાલ અનુસાર, રોઝલિનના વકીલ અલી કાસિફ ખાન દેશમુખે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેની પત્નીએ કેન્સર સામેની લડાઈ દરમિયાન પાણીમાં લીમડાના પાન ઉકાળીને તે પાણીપીધું હતું. તેણે હળદરનો ઉપયોગ કર્યો અને કેન્સરને હરાવ્યું. પરંતુ આ દાવો માત્ર મેડિકલ સાયન્સની વિરુદ્ધ જ નથી, પરંતુ તેનો કોઈ આધાર પણ નથી. ટાટા મેમોરિયલ સહિત અનેક મોટી મેડિકલ સંસ્થાઓ અને ડોક્ટરોએ નવજોત સિદ્ધુના દાવાને ખોટો ગણાવ્યો હતો.
રોઝલિન ખાનના વકીલે કહ્યું- 'ખોટા દાવાઓ ગેરમાર્ગે દોરી શકે છે'
કાસિફ ખાન દેશમુખે કહ્યું કે રોઝલિન ખાન કેન્સર સર્વાઈવર છે અને તેમને લાગે છે કે આવા ખોટા દાવાઓ અને ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેમણે કહ્યું કે આવા ખોટા દાવાઓથી લોકોનો મેડિકલ સાયન્સ પરથી વિશ્વાસ ઉઠી જશે અને આ રીતે એવા ઉપાયો પર વિશ્વાસ કરવાનું શરૂ કરશે કે જેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
આ કારણોસર નેટફ્લિક્સ અને કપિલ શર્માને નોટિસ મોકલી
જ્યારે રોઝલિન ખાનના વકીલને પૂછ્યું કે આ મામલે કપિલ શર્મા અને નેટફ્લિક્સને નોટિસ કેમ મોકલવામાં આવી છે તો તેણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુએ કપિલના શોમાં પણ આવો દાવો કર્યો હતો. તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ પણ કરવામાં આવ્યું હતું અને લાખો લોકોએ તેને જોયું હતું.
રોઝલિન ખાનની 3 માંગ
હવે એક્ટ્રેસ રોઝલિન ખાને કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુ સામે ત્રણ માંગણીઓ કરી છે. આ માંગણીઓ પૂર્ણ કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એક્ટ્રેસના વકીલના કહેવા પ્રમાણે, જો આ માંગણીઓ નહીં સંતોષાય તો મામલો કોર્ટમાં જશે.
રોઝલિને કહ્યું છે કે કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુએ નેટફ્લિક્સના એ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જાહેરમાં માફી માંગવી જોઈએ જ્યાં તેઓએ કેન્સર વિશે આવા ખોટા દાવા કર્યા હતા. એટલું જ નહીં, નેટફ્લિક્સે તે એપિસોડને તાત્કાલિક દૂર કરી દેવો જોઈએ. એવી પણ માંગ કરવામાં આવી છે કે કપિલ શર્મા અને તેની ટીમ ભવિષ્યમાં આવા ખોટા દાવા કરવાથી કે તેનો પ્રચાર કરવાથી બચે.
'નવજોત સિંહ સિદ્ધુનો રાજકીય એજન્ડા છે'
રોઝલિન ખાનના વકીલે એમ પણ કહ્યું કે તેમને શંકા છે કે નવજોત સિંહ સિદ્ધુ કેન્સર જેવી ઘાતક અને ગંભીર બીમારીનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો રાજકીય એજન્ડા આમાં સામેલ થઈ શકે છે. વકીલે કહ્યું કે, 'નવજોત સિંહ સિદ્ધુ કેન્સર જેવી બીમારીનો ઉપયોગ મતદારોને આકર્ષવા અને તેમની સહાનુભૂતિ મેળવવા માટે કરી રહ્યા છે.'

