દીપિકા પાદુકોણ સાથેની લવ સ્ટોરીને લઈ રણવીર સિંહે કર્યો ખુલાસો

બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલમાંથી એક છે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું કપલ. આ જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેમણે બંનેએ એક સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી અને દર્શકોને એન્ટરટેઈન કર્યા. આ જ ફિલ્મો દરમિયાન બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને આજે આ કપલ એક દીકરીના પેરેન્ટ્સ છે.
હવે રણવીરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, 'અમારી લવ સ્ટોરીની શરૂઆત ફિલ્મ રામલીલાના સેટ પર થઈ હતી. તે સમયે ઉદયપુરમાં ફિલ્મનો સેટ લાગ્યો હતો અને આ સમય દરમિયાન જ અમે એક-બીજાના પ્રેમમાં ડૂબી ગયા હતા.'
ઉદયપુર લવ સ્ટોરી માટે એક લકી ચાર્મ જેવું
ઉદયપુરમાં યોજાઈ રહેલા ભવ્ય લગ્ન દરમિયાન રણવીરને પોતાની લવ સ્ટોરી યાદ આવી ગઈ. તેણે કહ્યું કે, 'હું તમને કહેવા માંગુ છું કે, ઉદયપુર લવ સ્ટોરી માટે એક લકી ચાર્મ જેવું છે. મેં અહીં 'રામ-લીલા' ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તે દિવસોમાં તમારી ભાભી સાથે કામ કરી રહ્યો હતો અને 'રામલીલા'ના લાંબા શેડ્યૂલમાં જ અમારી લવ સ્ટોરી શરૂ થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી 13 વર્ષનો સાથ છે અને લગ્નના 7 વર્ષ થઈ ગયા, એક સુંદર દીકરી પણ છે. તો તમે સમજ્યા? ઉદયપુર લવ સ્ટોરી માટે ખૂબ જ લકી છે.' રણવીર પોતાની લવસ્ટોરી જણાવી રહ્યો છે, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
2018માં થયા હતા રણવીર-દીપિકાના લગ્ન
તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરની લવ સ્ટોરી 2013-2014માં શરૂ થઈ હતી. બંનેએ લગભગ 6 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા પછી 2018માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ સાત વર્ષ પછી બંનેએ પુત્રી દુઆનું સ્વાગત કર્યું. કપલે તાજેતરમાં જ તેમની દીકરી દુઆની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી.

