Video: ટાઇગર શ્રોફ પર ફાયરિંગનો લાઈવ વીડિયો વાયરલ, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- 'હુમલાખોરોને તેમની ભાષામાં જવાબ મળશે'

બૉલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈમાં થયેલા ફાયરિંગની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સોશિયલ મીડિયા પર ગૅંગસ્ટર અનિલ પંડિતની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેણે ટાઇગર પર હુમલો કર્યાની કબૂલાત કરી છે. પોસ્ટમાં અનિલ પંડિતે દાવો કર્યો છે કે આ હુમલો તેણે અને અરમાન સંધૂએ મળીને કરાવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ સલમાન ખાન સાથે કામ કરશે, તેનો આગામી નંબર હશે.
હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત
પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે અમે આને સમજાવ્યું હતું, પરંતુ આને સમજાયું નહીં. પોલીસે સ્પષ્ટતા કરી છે કે રવિવાર સાંજ થયેલા આ હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. જોકે, તેમનો ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ગોળીબારમાં ઘાયલ થયા છે.
ફાયરિંગ કરનારાને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે: એકનાથ શિંદે
બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ગુનેગારોને ઝડપી લેવા પોલીસને આદેશ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે 'લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે હવે ફાયરિંગ કરનારાને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે'
'સલમાન ખાન સાથે કામ કરશે, તેનો આગામી નંબર હશે'
અનિલ પંડિતની પોસ્ટમાં લખવામાં આવ્યું છે, આજે જે આ ટાઇગર શ્રોફનું કામ થયું છે, તેની જવાબદારી હું અનિલ પંડિત અને હરમન સંધૂ લઈએ છીએ. આને અમે ફોન કરીને સમજાવ્યું હતું, પણ આને સમજ ન આવી, એટલે આજે આને સરખી રીતે સમજાવી દીધું. અને જે પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણી વાત નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, તેનો આગામી નંબર હશે. વેઇટ એન્ડ વૉચ.'
શું છે સમગ્ર ઘટના?
ટાઇગર શ્રોફ પર ગોળીબારની આ ઘટના જુહુના જેવીપીડી ગ્રાઉન્ડ પાસે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાઇગર શ્રોફ ફૂટબૉલ રમીને ગ્રાઉન્ડની બહાર આવી રહ્યા હતા. જ્યારે તેમની ગાડી બહાર નીકળી ત્યારે તેમને જોવા માટે કેટલાક ચાહકો ભેગા થઈ ગયા હતા. તે જ દરમિયાન ત્યાં એક બાઇક પર ત્રણ લોકો આવ્યા અને 3-4 રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા. આ હુમલામાં ટાઇગર શ્રોફ માંડ-માંડ બચી ગયા. જોકે, તેમની ગાડીના ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે.








