"હું બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું..." - રામાયણમાં સંગીત આપવા બદલ એ.આર. રહેમાને આપ્યો જવાબ

વર્ષ 2026ના સૌથી ચર્ચિત પ્રોજેક્ટ 'રામાયણ'ની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની સાથે તેના સંગીત પર પણ લોકોની નજર છે. નિર્દેશક નિતેશ તિવારીએ રામાયણ માટે હેન્સ ઝિમર અને એ.આર. રહેમાનને સાથે લીધા છે. આ પહેલીવાર છે જ્યારે ઝિમર અને રહેમાન સાથે કામ કરી રહ્યા છે.
એ.આર. રહેમાન મુસ્લિમ હોવાથી તેમને પૂછવામાં આવ્યું કે શું રામાયણ માટે કામ કરતી વખતે તેમનો ધર્મ આડે નથી આવ્યો? આના પર તેમણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો. રહેમાને જણાવ્યું કે તેમના ધર્મમાં પણ શીખવવામાં આવે છે કે જ્ઞાન ગમે ત્યાંથી મળે, તે અમૂલ્ય હોય છે.
બ્રાહ્મણ શાળામાં ભણ્યા છે રહેમાન
જ્યારે રહેમાનને પૂછવામાં આવ્યું કે શું રામાયણનો આલ્બમ બનાવતી વખતે તેમની ધાર્મિક આસ્થા આડે ન આવી, ત્યારે તેમણે કહ્યું:
"હું બ્રાહ્મણ શાળામાં ભણ્યો છું. ત્યાં દર વર્ષે અમારે ત્યાં રામાયણ અને મહાભારત થતા હતા, એટલે મને આ વાર્તા ખબર છે. આ વાર્તા એક એવી વ્યક્તિ વિશે છે જે અત્યંત ગુણવાન અને ઉચ્ચ આદર્શો ધરાવે છે. લોકો આ બાબતે દલીલો કરી શકે છે, પરંતુ હું આ તમામ સારી બાબતોને મહત્ત્વ આપું છું. કોઈ પણ સારી વસ્તુ જેમાંથી તમે શીખી શકો, તે ગ્રહણ કરવી જોઈએ. પેગંબર મોહમ્મદે પણ કહ્યું છે કે જ્ઞાન અમૂલ્ય છે, પછી ભલે તે ગમે ત્યાંથી મળે - ભલે તે રાજા હોય, ભિખારી હોય, સારું કામ હોય કે ખરાબ. તમે આ વસ્તુઓથી મોઢું ફેરવી ન શકો."
સંકુચિત વિચારસરણીથી ઉપર ઉઠવું જોઈએ
રહેમાને વધુમાં ઉમેર્યું, "મને લાગે છે કે આપણે આ સ્વાર્થ અને તુચ્છ બુદ્ધિથી ઉપર ઉઠવું પડશે. મને આ પૂરા પ્રોજેક્ટ પર ગર્વ છે કારણ કે ભારત તરફથી આ આખી દુનિયા માટે એક પ્રેમભરી ભેટ છે. હેન્સ ઝિમર યહૂદી છે, હું મુસ્લિમ છું અને રામાયણ હિન્દુ મહાકાવ્ય છે."
વર્ષ 2026ની ચર્ચિત ફિલ્મ
'રામાયણ'ની સ્ટારકાસ્ટમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, સની દેઓલ, કાજલ અગ્રવાલ, અરુણ ગોવિલ, રવિ દુબે અને લારા દત્તા જેવા કલાકારો છે. આ ફિલ્મ વર્ષ 2026ની દિવાળી પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું બજેટ પણ ચર્ચામાં છે, જે અંદાજે 4000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

