Govinda news: ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, કોમેડી કિંગે હેલ્થ અપડેટમાં જણાવી આ વાત
ધમેન્દ્ર બાદ બોલિવૂડમાં અભિનેતા ગોવિંદાની પણ તબિયત લથડી હતી. જો કે, આજે ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ગોવિંદાને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોવિંદાને થાક લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ પડતા જિમિંગના કારણે થવું પડ્યું હોસ્પિટલમાં દાખલ
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરી અને પોતાનું સ્વાસ્થ્ય અપડેટ આપ્યું. અભિનેતાએ કહ્યું કે, 'સારો છું. વધુ પડતા જિમિંગ કરી લીધુ હોવાથી થાક લાગી ગયો. યોગ પ્રાણાયામ સારું છે. હેવી એક્સરસાઇઝ કરીએ છીએ, તે થોડું મુશ્કેલ છે. હું કોશિશ કરી રહ્યો છું કે પર્સનાલિટી વધારે સારી થઈ જાય, પણ મને લાગે છે કે યોગ પ્રાણાયામ કરીએ તે જ સારું છે.'
રાત્રે 1 વાગ્યે ઈમરજન્સીમાં દાખલ કરાયો હતો
નોંધનીય છે કે, ગોવિંદાને બુધવારે વહેલી સવારે તેમના ઘરે બેભાન થયા પછી તરત જ ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના વકીલ અને ખાસ મિત્ર લલિત બિંદલના જણાવ્યા અનુસાર ગોવિંદાને પહેલા ડૉક્ટર સાથે ફોન પર સલાહ લીધા પછી દવા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને ઈમરજન્સી સારવાર માટે લગભગ રાત્રે 1 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
વ્યસ્ત શેડ્યૂલને કારણે તબિયત બગડી
લલિત બિંદલે વધુમાં કહ્યું હતું કે, 'ગોવિંદા છેલ્લા એક મહિનાથી ખૂબ જ વ્યસ્ત છે. કદાચ આ જ કારણે તેઓ બેભાન થયા હશે. છેલ્લા કેટલાક દિવસોનું તેમનું વ્યસ્ત શેડ્યૂલ પણ તેમની તબિયત બગડવાનું એક કારણ હતું. ડૉક્ટરે તેમને આરામ કરવા અને ડાયટનું યોગ્ય રીતે ધ્યાન રાખવાની સલાહ આપી છે. તેઓ હવે ઘરે છે અને સારું અનુભવી રહ્યા છે. તેમણે પોતાના ચાહકોની તમામ શુભેચ્છાઓ માટે તેમનો આભાર માન્યો છે.'

