અમિતાભ બચ્ચનની 'ડોન' ફિલ્મના દિગ્દર્શકનું અવસાન, 7 વર્ષથી આ બીમારીથી પીડાતા હતા ચંદ્ર બરોટ

બોલીવૂડના પીઢ દિગ્દર્શક ચંદ્ર બરોટનું 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ચંદ્ર બરોટ અમિતાભ બચ્ચનની 1978ની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'ડોન' નું દિગ્દર્શન કરવા માટે જાણીતા છે. ચંદ્ર બરોટ છેલ્લા કેટલાક વર્ષોથી ફેફસાની સમસ્યાથી પીડાતા હતા. તેમની પત્નીએ ચંદ્રના મૃત્યુની પુષ્ટિ કરી છે. ફરહાન અખ્તરે પણ તેમના મૃત્યુ વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
ચંદ્ર બરોટ ફેફસાની બીમારીથી પીડાતા હતા
એક અહેવાલ મુજબ, ચંદ્ર બરોટના પત્ની દીપા બરોટે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, "તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડાતા હતા."
ફરહાન અખ્તરે પોસ્ટ કરી
બોલીવૂડ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરે ચંદ્ર બરોટના નિધન પર ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીર શેર કરી અને લખ્યું - "ઓજી ફિલ્મ ડોનના દિગ્દર્શક હવે નથી રહ્યા તે જાણીને દુઃખ થયું. બરોટજીની આત્માને શાંતિ મળે. પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના."
આ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું
ચંદ્ર બરોટે 'ડોન' ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. ડોન પછી, ચંદ્રાએ બંગાળી ફિલ્મ "આશ્રિતા" નું દિગ્દર્શન કર્યું હતું જે 1989માં રિલીઝ થઈ હતી. ચંદ્રાએ 1991માં "પ્યાર ભરા દિલ" નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

