Diljit Dosanjh 11 વર્ષથી આ બીમારીથી પીડાઈ રહ્યો છે; છતાં ઓપરેશન ન કરાવ્યું, પરિવારથી પણ છૂપાવી વાત

Diljit Dosanjh Gall Bladder Stone: પંજાબી સિનેમાથી લઈને બોલિવૂડ અને વૈશ્વિક સ્ટેજ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે તાજેતરમાં પોતાના જીવન સાથે જોડાયેલું એક મોટું રહસ્ય જાહેર કર્યું છે. દિલજીતે ખુલાસો કર્યો છે કે તેના ગોલ બ્લેડર (પિત્તાશય)માં 11-12 MMની પથરી છે. તેને વર્ષ 2015માં આ અંગે જાણ થઈ હતી, છતાં તેણે આજદિન સુધી ન તો તેની સર્જરી કરાવી છે અને ન તો આ વાત પોતાના પરિવારને જણાવી હતી.
દિલજીતનો મોટો ખુલાસો
એક ઇન્ટરવ્યૂમાં દિલજીતે જણાવ્યું કે વર્ષ 2015માં મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેના ગોલ બ્લેડરમાં 11-12 MMની પથરી હોવાનું નિદાન કર્યું હતું. તે સમયે ડૉક્ટરે તેને તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ પણ આપી હતી.
પરંતુ તે સમયે દિલજીતના એક નજીકના મિત્રએ તેને અલગ સલાહ આપી. એ મિત્રએ કહ્યું કે જો આ પથરીના કારણે શરીરમાં કોઈ દુખાવો કે તકલીફ ન થઈ રહી હોય, તો સર્જરી કરાવવાની કોઈ જરૂર નથી. વર્ષ 2015થી હવે 2026 થઈ ગયું છે, એટલે કે આશરે 11 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં દિલજીતે પથરી કઢાવવા માટે કોઈ ઓપરેશન કરાવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે તેને આજ સુધી આ પથરીના કારણે કોઈ શારીરિક સમસ્યા નડી નથી.
દિલજીતનું માનવું છે કે કદાચ આટલા વર્ષોમાં હવે આ પથરી આપમેળે જ ઓગળીને ખતમ થઈ ગઈ હશે. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે તે પોતાની ટ્રાવેલ બેગમાં હંમેશા જરૂરી દવાઓનું એક બોક્સ સાથે રાખે છે. દિલજીતે વધુમાં ઉમેર્યું કે અત્યાર સુધી તેણે આ વાત કોઈની સાથે શેર નહોતી કરી, જેના કારણે તેના પરિવારના સભ્યો અને અંગત મિત્રો પણ અત્યાર સુધી આ બાબતથી સંપૂર્ણ અજાણ હતા.
ચાહકો થયા ચિંતિત
દિલજીત દોસાંઝના આ આંચકાજનક ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો તેની તબિયતને લઈને ચિંતિત બન્યા છે. જોકે, ફેન્સનું એવું પણ કહેવું છે કે દિલજીત ખૂબ જ સકારાત્મક વ્યક્તિત્વ ધરાવે છે અને તે હંમેશા હસતા મુખે મુશ્કેલીઓનો સામનો કરે છે.
વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દિલજીત દોસાંઝ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીએ કર્યું છે અને બોક્સ ઓફિસ પર તેને ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ઇમ્તિયાઝ અલી અને દિલજીતની જોડીએ અગાઉ પણ ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં સાથે કામ કર્યું હતું, જેમાં દિલજીતના અભિનયના વૈશ્વિક સ્તરે વખાણ થયા હતા. હિન્દી સિનેમા ઉપરાંત દિલજીત પંજાબી ફિલ્મો અને વૈશ્વિક મ્યુઝિક કોન્સર્ટ્સમાં પણ સતત વ્યસ્ત રહે છે.

