ધર્મેન્દ્રની પહેલી પુણ્યતિથિ વિશેષ: ગામડાથી બોલિવૂડના હી-મેન સુધીની સફર, 51 રૂપિયામાં સાઈન કરી હતી પહેલી ફિલ્મ

હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્રની આજે પ્રથમ પુણ્યતિથિ છે. 13 વર્ષની ઉંમરે દિલીપ કુમારને જોઈને તેમણે અભિનેતા બનવાનું સપનું જોયું હતું. પહેલી ફિલ્મ માટે તેમને 51 રૂપિયા મળ્યા હતા, જે ત્રણ નિર્માતાઓએ મળીને ચૂકવ્યા હતા. પંજાબના નાના ગામમાંથી નીકળીને બોલિવૂડના મોટા સિતારાઓમાં સામેલ થવા સુધીની તેમની સફર સંઘર્ષ, જુસ્સો અને સફળતાનું ઉદાહરણ રહી. 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેઓ 300થી વધુ ફિલ્મો અને અસંખ્ય યાદગાર પાત્રોનો વારસો મૂકી ગયા છે.
પંજાબમાં થયો જન્મ, દિલીપ કુમારને જોઈને અભિનેતા બનવાનું સપનું જોયું
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના નસરાલી ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ હતું. તેમના પિતા કેવલ કૃષ્ણ સિંહ દેઓલ શાળામાં શિક્ષક હતા. તેમનું બાળપણ ગામમાં વીત્યું હતું અને ફિલ્મો પ્રત્યેનો લગાવ બાળપણથી જ હતો. લગભગ 13 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ 'શહીદ' જોઈ હતી. દિલીપ કુમારને જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા કે અભિનેતા બનવાનું સપનું જોવા લાગ્યા અને ફિલ્મોમાં આવવાનો નિર્ણય કરી લીધો.
ધર્મેન્દ્રના જીવનનો એક રસપ્રદ કિસ્સો દિલીપ કુમાર સાથે જોડાયેલો
રિપોર્ટ મુજબ, ધર્મેન્દ્ર 1952માં પહેલીવાર મુંબઈ આવ્યા હતા. દિલીપ કુમારને મળવા માટે તેઓ એટલા ઉત્સાહિત હતા કે સીધા તેમના ઘરે પહોંચી ગયા. ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ નહોતો, તેથી તેઓ ઘરની અંદર ચાલ્યા ગયા. તેઓ દિલીપ કુમારના બેડરૂમ સુધી પહોંચી ગયા, જ્યાં અભિનેતા સૂઈ રહ્યા હતા. તેમની ઊંઘ ખૂલી તો ધર્મેન્દ્ર ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી નીકળ્યા. બાદમાં તેમને અનુભવ થયો કે કોઈના અંગત જીવનમાં આ રીતે પ્રવેશ કરવો ખોટું હતું.
ધર્મેન્દ્રને જોઈને દિલીપ કુમારે કહ્યું હતું- અલ્લાહે મને આવો જ બનાવ્યો હોત તો શું જતું?
1997ના 42મા ફિલ્મફેર એવોર્ડ શોમાં ધર્મેન્દ્રને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ દિલીપ કુમારે તેમને આપ્યો હતો. ધર્મેન્દ્રની પર્સનાલિટીથી પ્રભાવિત દિલીપ કુમારે શો દરમિયાન કહ્યું હતું કે, "જ્યારે મેં પહેલીવાર ધરમને જોયા હતા ત્યારે જોતા જ મારા દિલમાં ઉમંગ જાગ્યો હતો કે, અલ્લાહે મને આવો જ બનાવ્યો હોત તો શું જતું?"
ફિલ્મફેર ટેલેન્ટ હન્ટથી બદલાઈ કિસ્મત, કામ માટે ઘણા મહિના ભટક્યા
ધર્મેન્દ્રને ફિલ્મોમાં પહેલી મોટી તક ફિલ્મફેર મેગેઝિનના ન્યૂ ટેલેન્ટ હન્ટમાંથી મળી. 1958માં તેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો અને પસંદગી પામ્યા. આનાથી તેમના માટે બોલિવૂડના દરવાજા ખૂલ્યા, પરંતુ સફળતા તરત મળી નહીં.
ટેલેન્ટ હન્ટ જીત્યા બાદ પણ ધર્મેન્દ્રને લાંબા સમય સુધી કામ મળ્યું નહીં. તેઓ સ્ટુડિયો અને પ્રોડ્યુસર્સની ઓફિસોના ચક્કર લગાવતા રહ્યા, પરંતુ ઘણીવાર ખાલી હાથે પાછા ફરવું પડતું હતું. આર્થિક મુશ્કેલીઓને કારણે મુંબઈમાં ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું.
રિપોર્ટ મુજબ, એક સમયે નિરાશ થઈને ધર્મેન્દ્ર મુંબઈ છોડવાનું મન બનાવી ચૂક્યા હતા. ત્યારે અભિનેતા મનોજ કુમારે તેમને બે મહિના હજુ રોકાઈને પ્રયાસ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે કંઈક ને કંઈક ચોક્કસ થશે.
બસમાં મુલાકાતથી મળી પહેલી ફિલ્મ
ધર્મેન્દ્રના કરિયરમાં એક રસપ્રદ વળાંક બસમાં આવ્યો. એક દિવસ અંધેરી જતી બસમાં તેમની મુલાકાત અર્જુન હિંગોરાની સાથે થઈ હતી. હિંગોરાની તેમને ફિલ્મફેર ટેલેન્ટ હન્ટના સમયથી ઓળખતા હતા. તેમણે ધર્મેન્દ્ર વિશે નિર્માતા ટીએમ બિહારી સાથે વાત કરી અને આ રીતે તેમને પહેલી ફિલ્મ મળી. 1960માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં પગ મૂક્યો. તેમને આ ફિલ્મ માટે 51 રૂપિયા મળ્યા હતા. ત્રણેય નિર્માતાઓએ 17-17 રૂપિયા આપીને તેમની ફી ચૂકવી હતી.
ધર્મેન્દ્રએ સલમાન ખાનના શો 'દસ કા દમ'માં આ રસપ્રદ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પહેલી ફિલ્મ સાઇન કરવા પહોંચ્યા ત્યારે તેમને 5000 રૂપિયા એડવાન્સ મળવાની અપેક્ષા હતી, પરંતુ નિર્માતા ટીએમ બિહારી અને તેમના બે સાથીઓએ ખિસ્સાં ફંફોસ્યાં. ત્રણેયે 17-17 રૂપિયા કાઢ્યા અને ધર્મેન્દ્રને કુલ 51 રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ આપી હતી.
'ફૂલ ઔર પથ્થર' ફિલ્મે બનાવ્યા સ્ટાર, રોમેન્ટિક હીરોમાંથી બન્યા એક્શન સ્ટાર
શરૂઆતની ફિલ્મોમાં ધર્મેન્દ્રએ 'શોલા ઔર શબનમ', 'અનપઢ', 'બંદિની' અને 'હકીકત' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોથી તેમને ઓળખ મળી. 1966માં રિલીઝ થયેલી 'ફૂલ ઔર પથ્થર' તેમના કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
ફિલ્મમાં તેમના દમદાર અંદાજ અને સ્ક્રીન પ્રેઝન્સને દર્શકોએ ખૂબ પસંદ કરી. તેઓ હિન્દી સિનેમાના મોટા સિતારાઓમાં સામેલ થઈ ગયા. આગળ જતાં 'મેરા ગાંવ મેરા દેશ', 'યાદોં કી બારાત', 'જુગનુ', 'ધરમ વીર' અને 'ચરસ' જેવી ફિલ્મોએ તેમને એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કર્યા.
મજબૂત કદ-કાઠી અને એક્શન અંદાજને કારણે તેમને બોલિવૂડના હી-મેન કહેવામાં આવવા લાગ્યા. જોકે, તેમની અભિનય ક્ષમતા માત્ર એક્શન સુધી મર્યાદિત નહોતી.
'શોલે'ના વીરુથી 'ચુપકે-ચુપકે'ના પ્રોફેસર સુધી, દરેક પાત્રથી જીત્યું દિલ
1975 ધર્મેન્દ્રના કરિયરના યાદગાર વર્ષોમાંથી એક રહ્યું. આ જ વર્ષે તેમની બે ચર્ચિત ફિલ્મો 'શોલે' અને 'ચુપકે-ચુપકે' રિલીઝ થઈ.
'શોલે'માં તેમણે વીરુનું પાત્ર ભજવ્યું. અમિતાભ બચ્ચન સાથેની તેમની દોસ્તી અને હેમા માલિની સાથેની નોકઝોકે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. ફિલ્મના ડાયલોગ અને પાત્રો આજે પણ લોકપ્રિય છે.
ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'ચુપકે-ચુપકે'માં ધર્મેન્દ્રએ પ્રોફેસરનું પાત્ર ભજવ્યું. તેમની કોમિક ટાઇમિંગે સાબિત કર્યું કે તેઓ માત્ર એક્શન હીરો જ નહીં, પણ એક શ્રેષ્ઠ કોમેડી કલાકાર પણ હતા.
દિગ્દર્શક ઋષિકેશ મુખર્જી ધર્મેન્દ્રને પોતાના મનપસંદ કલાકારોમાં ગણતા હતા. તેમણે તેમની અભિનય ક્ષમતા અને વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી.




