નિક જોનસના પ્રેમમાં કેમ પડી પ્રિયંકા? દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ લગ્નજીવનનું સૌથી મોટું રહસ્ય

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તે તેના પતિ નિક જોનસ સાથે અવારનવાર સુંદર તસવીરો શેર કરતી રહે છે. બંને એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો છે કે જો નિકે ભારતીય સંસ્કૃતિનો આદર ન કર્યો હોત તો તે તેને પ્રેમ ન કરતી.
નિક સાથે કેમ વધુ ગાઢ બન્યો પ્રિયંકાનો સંબંધ?
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ નિક જોનસ સાથે પોતાની સાંસ્કૃતિક સમજણ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે જ્યારે બે લોકો અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, ત્યારે એકબીજાના મૂળ (કલ્ચર)નું સન્માન કરવું જરૂરી બની જાય છે. અભિનેત્રીએ સ્વીકાર્યું કે ભારતીય સંસ્કૃતિને અપનાવવી તેમના સંબંધ માટે ખૂબ સારું રહ્યું છે. અભિનેત્રીએ સંબંધને મજબૂત જાળવી રાખવામાં દયાળુ સ્વભાવના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
સંસ્કૃતિ પર શું બોલી પ્રિયંકા?
પ્રિયંકાએ કહ્યું, 'મને નથી ખબર કે જો તેણે આવું ન કર્યું હોત તો શું હું તેને પ્રેમ કરતી. કોઈપણ બે અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા સંબંધોમાં આ એક બહુ મોટી વાત હોય છે. મને લાગે છે કે તમારા પાર્ટનરના કલ્ચર અને મૂળનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે.'
પ્રિયંકા અને નિક અવારનવાર એકબીજાના સૌથી મોટા સપોર્ટર હોવાની સાથે સાથે એકબીજાની પરંપરાઓ અને સંસ્કૃતિને અપનાવવા વિશે ખુલીને વાત કરતા રહ્યા છે.
'સાયકલ ઓફ લવ'ના પ્રીમિયરમાં પહોંચી પ્રિયંકા
પ્રિયંકા ચોપરા તાજેતરમાં 'સાયકલ ઓફ લવ'ના પ્રીમિયર માટે ન્યૂયોર્કમાં હતી, જે એક ડોક્યુમેન્ટ્રી છે. આ પ્રોજેક્ટ માટે તેણે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મ કે. મહાનંદિયા અને લોટા વોન શેડવિનની રિયલ લાઈફ લવ સ્ટોરી પર આધારિત છે, જેમણે સાથે રહેવા માટે દાયકાઓ પહેલાં ઘણા દેશોની યાત્રા કરી હતી.

