દીપિકાએ ગુમાવી 1000 કરોડની કમાણી કરનારી ફિલ્મની સિક્વલ, નિર્માતાઓએ કર્યું એલાન

પુત્રી દુઆને જન્મ આપ્યા પછી દીપિકા પાદુકોણ અભિનયની દુનિયાથી દૂર થઈ ગઈ છે. દરરોજ તેની આગામી ફિલ્મો વિશે અપડેટ્સ આવતા રહે છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે વાત આવી રહી છે કે બોલિવૂડ અભિનેત્રીને સાઉથ સિનેમાની એક બહુચર્ચિત ફિલ્મની સિક્વલમાંથી દૂર કરવામાં આવી છે. નિર્માતાઓએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે દીપિકા પાદુકોણે આ ફિલ્મના પહેલા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે 1000 કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતા.
દીપિકા પાદુકોણની આગામી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે, જેમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 ADની સિક્વલનો પણ સમાવેશ થાય છે. જોકે, દીપિકા હવે તેનો ભાગ નથી. વૈજયંતી ફિલ્મ્સે તેના સત્તાવાર X હેન્ડલ પર કલ્કી પાર્ટ 2 માંથી અભિનેત્રીના બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરતા લખ્યું:
સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે દીપિકા પાદુકોણ કલ્કી 2898 AD પાર્ટ 2ના કલાકારોમાં જોડાશે નહીં. અમે ઘણી વિચાર-વિમર્શ પછી આ નિર્ણય પર પહોંચ્યા છીએ. ફિલ્મ સાથેની અમારી લાંબા સમયથી ચાલતી ભાગીદારી હવે સમાપ્ત થઈ ગઈ છે. અમે તેને તેના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. કલ્કી જેવી ફિલ્મ ફક્ત કમિટમેન્ટ કરતાં વધુ ડિઝર્વ કરે છે.

આમ કલ્કી 2898 ADની સિક્વલમાંથી દીપિકા પાદુકોણના બહાર નીકળવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે સાઉથ ફિલ્મથી દીપિકા આઉટ થઈ છે, તેણે અગાઉ દિગ્દર્શક સંદીપ વાંગાની રેડી અને પ્રભાસ અભિનીત ફિલ્મ સ્પિરિટ છોડી દીધી હતી.
દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ
જ્યારે દીપિકા પાદુકોણ સતત સાઉથ ફિલ્મો ગુમાવી રહી છે, ત્યારે તેની આગામી ફિલ્મ પણ સાઉથ ઇન્ડસ્ટ્રીની છે. નજીકના ભવિષ્યમાં દીપિકા અલ્લુ અર્જુન અને દિગ્દર્શક એટલીની ફિલ્મ AA22 X A6માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. અભિનેત્રી ટૂંક સમયમાં શૂટિંગ માટે અબુ ધાબી જવા રવાના થવાની છે.

