બોલિવૂડ: દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન થઈ ગયું છે. જણાવી દઈએ કે, તેમને દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ કામિની કૌશલનું મુંબઈમાં તેમના ઘરે જ અવસાન થયું છે.
અહેવાલો અનુસાર, કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું. તેમના પરિવારના નજીકના સૂત્રએ વિનંતી કરી છે કે, તેમનો પરિવાર અત્યંત લો-પ્રોફાઇલ હોવાથી, આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે.
1946થી 2022 સુધીમાં અનેક ફિલ્મોમાં કર્યું કામ
આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ 24 ફેબ્રુઆરી, 1927ના રોજ થયો હતો. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1946માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી થઈ હતી. તેમની પહેલી ફિલ્મનું નામ "નીચા નગર" છે. નોંધનીય છે કે, તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે 2022 સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

