FlyDubai ઇમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરોને બચાવનાર કૅપ્ટન સ્મિતના સાહસની બોલિવૂડ કલાકારોએ કરી પ્રશંસા

જ્યારે 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈનું વિમાન FZ1073 દુબઈથી તેલ અવીવની ઉડાન પર હતું, તે દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની જેણે વિમાનમાં સવાર આશરે 175 મુસાફરોને દહેશતમાં મુકી દીધા હતા. વિમાનના ભારતીય મૂળના પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છર પર તેમના જ ઓમાની કો-પાયલટ હમામ-અલ-હમ્મામીએ ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલા પછી પણ સ્મિતે પોતાની હિંમત દર્શાવી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યારબાદ મુસાફરોએ હમ્મામીને કાબૂમાં લીધો હતો અને અન્ય પાયલટે ફ્લાઇટ પર નિયંત્રણ મેળવીને તેની સુરક્ષિત લેન્ડિંગ કરાવી હતી.
સાઉદી અરેબિયાના આકાશમાં આશરે 34, 000 ફૂટની ઊંચાઈએ આ ઘટના બની હતી. ત્યાં સુધીમાં વિમાને 2 કલાકની મુસાફરી પૂરી કરી લીધી હતી. ઘટના બાદ સ્મિત મચ્છરે ખૂબ ધૈર્ય અને હિંમતથી કામ લીધું હતું. આ વિમાનને અન્ય પાયલટે સાઉદી અરેબિયાના તબૂકમાં આવેલા પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. આ ઘટના બાદથી જ પીએમ મોદી સહિત દેશ-દુનિયાના લોકોએ તેમને 'રિયલ હીરો' ગણાવ્યા છે અને સ્મિતની ભારે પ્રશંસા થઈ રહી છે. સલમાન ખાન સહિત બોલિવૂડના કેટલાય કલાકારો પણ સ્મિતની બહાદુરીના ફેન બની ગયા છે અને તેમના વખાણ કરતા થાકતા નથી.
સલમાન ખાને કર્યા કૅપ્ટન મછારના વખાણ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કૅપ્ટન સ્મિતની પ્રશંસા કરતા કહ્યું- ”કમાલ કરી દીધો પાયલટ જી! અમે સૌ આપને સેલ્યુટ કરીએ છીએ અને આપની સાથે ઉડાન ભરવી અમારા માટે પણ ગર્વની વાત હશે. ખૂબ ખૂબ અભિનંદન કૅપ્ટન ભાઈ.” આખો દેશ કૅપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી રહ્યો છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યો છે. સ્મિત મૂળ મહારાષ્ટ્રના ઘાટકોપરના રહેવાસી છે. હાલના સમયે તેઓ અબુ ધાબીની એક હોસ્પિટલમાં એડમિટ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પરેશ રાવલે યાદ કર્યો નાના પાટેકરનો ડાયલોગ
એક્ટર આર. માધવને ઇન્સ્ટા સ્ટોરી પર મચ્છરના નામે પીએમ મોદીનો સંદેશ શેર કરતા લખ્યું- "એક સાચા હીરો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરું છું." એક્ટર વિજય દેવરાકોંડાએ પણ પીએમ મોદીનો વીડિયો સંદેશ શેર કરતા કેપ્શનમાં લખ્યું- "કૅપ્ટન, ભગવાન આપનું રક્ષણ કરે. તમે સૌની સાથે મળીને જે સહન કર્યું છે અને જે બહાદુરી બતાવી છે તે અદ્ભુત છે." તો બીજી તરફ એક્ટર પરેશ રાવલે આ દરમિયાન નાના પાટેકરનો ફેમસ ડાયલોગ યાદ કરતા કહ્યું- ‘એક મચ્છર આદમી કો...’
રવિ કિશને શું કહ્યું?
કૅપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતા રવિ કિશને કહ્યું- "આટલા ઘા સહન કર્યા પછી પણ જે ધૈર્ય, સાહસ અને નિષ્ઠા સાથે તેમણે પોતાની ફરજ બજાવી છે અને પોતાના જીવની પરવા કર્યા વગર 100થી વધુ લોકોના જીવ બચાવ્યા છે, તે માત્ર એક મિસાલ નથી પરંતુ દરેક ભારતીય માટે પ્રેરણા અને ગર્વની વાત છે."

