અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાના પ્રશંસકોને કર્યા સાવચેત

દે-દે પ્યાર દે-2 ફિલ્મથી હાલમાં ચર્ચામાં રહેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાના પ્રશંસકોને એક અનામી વ્યક્તિથી ચેતવણી આપી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, એક વ્યક્તિ રકુલના નામનો ખોટો ઉપયોગ કરીને લોકો સાથે WhatsApp પર ચેટ કરી રહ્યો છે. તેથી તે પોતાના પ્રશંસકોને સાવચેત કરી રહી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, તે આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની છે.
ઉલ્લેખનીય છેકે, આવી જ ફરિયાદ શ્રેયા શરણ અને અદિતિ રાવ હૈદરી દ્વારા પણ કરવામાં આવી હતી. રકુલ હવે આ બાબતે કાનૂની કાર્યવાહી કરવાની છે. તે સાઇબર અપરાધ નોંધાવાની પ્રક્રિયા કરી રહી છે.
નબંરની તપાસ પણ કરી
અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુંકે, મને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે મારા મેનેજરે મને વાતચીતના થોડા અંશ અને સ્નેપશોટ મોકલ્યા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે, આ વ્યક્તિ ચેન્નઇના એક ફોટોગ્રાફર પાસે પહેંચ્યો હતો. અને તેની સાથે મેં કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. ફોટોગ્રાફરે મને મેસેજ કર્યો હતો કે એક વ્યક્તિ તેની સાથે રકુલના નામે વાત કરી કહ્યો હતો. સાથે-સાથે તેણે મારી સાથે એ નબંરની તપાસ પણ કરી હતી.
"આ વાત ચિંતા કરાવે તેવી"
રકુલે વધુમાં કહ્યું હતું કે, આ પછી મેં આ મામલાને સોશિયલ મીડિયા પર શેર કરવાનો નિર્ણય લીધો હતો, જેથી લોકો સાવચેત થઇ જાય.એ અજાણી વ્યક્તિ કઇ રીતે અને શું વાતચીત કરે છે તેનાથી હું અજાણ છું પરંતુ આ વાત ચિંતા કરાવે તેવી છે.
રકુલની આ સ્પષ્ટતાથી તેને પ્રશંસકોનું સમર્થન મળ્યું હતુ. ઘણા લોકોએ જણાવ્યું હતું કે તેમની સાથે પણ એ વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. ઘણાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પણ મેસેજ મળ્યા હતા.

