Diljitની ફિલ્મમાંથી 120 સીન કાપી નાખ્યા, નામ પણ બદલી નાખ્યું; તો પણ 'Satluj' થિયેટર બાદ હવે OTT પરથી પણ આઉટ!

દિલજીત દોસાંજની ફિલ્મ 'સતલુજ' (અગાઉ 'પંજાબ 95') ફરી વિવાદમાં ફસાઈ છે. ZEE5 પર રિલીઝ થયા બાદ, માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત આ ફિલ્મને ભારતમાં સ્ટ્રીમિંગ પરથી હટાવી દેવાઈ છે. સેન્સર બોર્ડ દ્વારા 120 કટ્સ સૂચવવામાં આવ્યા હતા. ZEE5 દર્શકોનો આભાર માની રહ્યું છે અને ફિલ્મને ફરી લાવવા કાનૂની વિકલ્પો શોધી રહ્યું છે.
Diljit Dosanjh Satluj Movie Controversy : પ્રખ્યાત પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજની નવી ફિલ્મ 'સતલુજ' ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. ઘણા લાંબા સમયની રાહ જોયા બાદ આ ફિલ્મને કોઈ પણ જાહેરાત કે પ્રમોશન વિના OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ હવે અચાનક ભારતમાં તેની સ્ટ્રીમિંગ પર રોક લગાવી દેવામાં આવી છે અને તેને પ્લેટફોર્મ પરથી હટાવી દેવાઈ છે. આ નિર્ણયથી ફેન્સ અને દર્શકો ખૂબ જ હેરાન છે.
શું છે આખી વિવાદિત વાર્તા?
આ ફિલ્મ પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત છે. ફિલ્મનું અસલી નામ 'પંજાબ 95' રાખવામાં આવ્યું હતું. પોતાની વાર્તા અને વિષયવસ્તુના કારણે આ ફિલ્મ લાંબા સમયથી સેન્સર બોર્ડ (CBFC)ના નિશાના પર હતી. સેન્સર બોર્ડે ફિલ્મમાં દર્શાવેલા કેટલાક દ્રશ્યો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો અને તેને પાસ કરવા માટે ૧૨૦ થી વધુ કટ્સ (ફેરફાર) કરવાનો આદેશ આપ્યો હતો. આ જ કારણે ફિલ્મ ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નહીં. આખરે મેકર્સે તેનું નામ બદલીને 'સતલુજ' કર્યું અને તેને સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.
OTT પ્લેટફોર્મ ZEE5 નું શું કહેવું છે?
ફિલ્મ હટાવ્યા બાદ ZEE5 તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પ્લેટફોર્મે ફિલ્મને સારો પ્રતિસાદ આપવા બદલ દર્શકોનો આભાર માન્યો છે. તેની સાથે જ જણાવ્યું છે કે તેઓ ફિલ્મના મેકર્સ અને તેમની કલાત્મક વિચારસરણીની સાથે મજબૂતાઈથી ઉભા છે.
હવે આગળ શું થશે?
જો કે હાલ પૂરતી ભારતમાં આ ફિલ્મ જોવા પર રોક લગાવી દેવામાં આવી છે, પરંતુ મેકર્સ અને OTT પ્લેટફોર્મે હાર માની નથી. ZEE5 આ ફિલ્મને ટૂંક સમયમાં જ ભારતીય દર્શકો માટે પાછી લાવવા માંગે છે અને તેના પરથી પ્રતિબંધ હટાવવા માટેના તમામ જરૂરી કાનૂની રસ્તાઓ શોધી રહ્યું છે.

