Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : sc refuses interim stay on cbse three language policy next hearing on july 14

CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો SCનો ઇનકાર, આગામી સુનાવણી 14 જુલાઈએ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો SCનો ઇનકાર, આગામી સુનાવણી 14 જુલાઈએ
સોર્સ : GSTV
CBSE Three Language Policy : સુપ્રીમ કોર્ટે સીબીએસઈ (CBSE)ની ધોરણ 9થી લાગુ થનારી ત્રિ-ભાષા નીતિ (Three-Language Policy) પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ મામલાને અગાઉથી પેન્ડિંગ પડેલી અરજીઓ સાથે જોડીને 14 જુલાઈએ સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. આ નીતિ શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવનાર છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી. મોહનની બેન્ચે આ મામલાને અગાઉથી પેન્ડિંગ સમાન અરજીઓ સાથે જોડી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ મુદ્દા પર અગાઉ પણ વિગતવાર ચર્ચા થઈ ચૂકી છે, તેથી હાલમાં કોઈ પણ પ્રકારની વચગાળાની સુરક્ષા કે રોકનો આદેશ આપી શકાય નહીં.
App Store
 

NGOએ અમલીકરણની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા

 
આ અરજી 'Friends of People for Active Democracy' નામના બિન-સરકારી સંગઠન (NGO) દ્વારા દાખલ કરવામાં આવી છે. સંગઠન વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ ત્રિ-ભાષા નીતિનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ તેના અમલીકરણની પદ્ધતિને પડકારી રહ્યા છે. સુનાવણી દરમિયાન બેન્ચે સંગઠનના નામ અંગે હળવા અંદાજમાં ટિપ્પણી કરતા પૂછ્યું કે, શું આવું નામ કોર્ટ કે લોકોના મનમાં ડર પેદા કરવા માટે રાખવામાં આવ્યું છે? આના પર વકીલે સ્પષ્ટતા કરી કે આ 2013માં સ્થપાયેલું એક જૂનું ટ્રસ્ટ છે.
 

14 જુલાઈએ થશે આગામી સુનાવણી

 
અદાલતે આ મામલાને અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે જોડીને 14 જુલાઈએ સુનાવણી માટે સુચિબદ્ધ કર્યો છે. આ અગાઉ 27 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી, અને કેન્દ્ર સરકાર, CBSE તેમજ NCERTને નોટિસ ફટકારીને બે અઠવાડિયામાં વિગતવાર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને એ પણ પૂછ્યું હતું કે, નવી નીતિ લાગુ કરવા માટે CBSEની તૈયારીઓ કયા સ્તરે છે, અને આ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.
 

શું છે CBSEની નવી ત્રિ-ભાષા નીતિ?

 
CBSE દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, 1 જુલાઈ 2026 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. જેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જરૂરી છે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) 2023ને સુસંગત રહીને લેવામાં આવ્યું છે. બોર્ડનું કહેવું છે કે, માધ્યમિક સ્તરે ભાષા પ્રાવીણ્ય અને સાંસ્કૃતિક સમજને મજબૂત કરવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
 

વિદેશી ભાષા ભણતા વિદ્યાર્થીઓ માટે શું નિયમ હશે?

 
CBSEના જણાવ્યા અનુસાર, જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષા ભણવા માંગે છે, તો તે બે ભારતીય ભાષાઓનો અભ્યાસ કર્યા પછી જ, તેને ત્રીજી ભાષા તરીકે પસંદ કરી શકે છે. આ ઉપરાંત વિદેશી ભાષાને વધારાની ચોથી ભાષા તરીકે પણ રાખી શકાય છે.
 

ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં R3 (ત્રીજી ભાષા)નું પેપર નહીં હોય

 
બોર્ડે વિદ્યાર્થીઓ પરથી વધારાનું દબાણ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્રીજી ભાષા (R3) માટે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે નહીં. R3 વિષયનું મૂલ્યાંકન સંપૂર્ણપણે શાળા સ્તરે (ઇન્ટરનલ) થશે અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને CBSE સર્ટિફિકેટમાં નોંધવામાં આવશે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વિદ્યાર્થીને માત્ર R3 વિષયના કારણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવશે નહીં.
 

સંબંધિત ભાષાના શિક્ષકો ઉપલબ્ધ ન હોય તો શું કરવું?

 
જ્યાં સંબંધિત ભારતીય ભાષાઓના લાયક શિક્ષકો ઉપલબ્ધ ન હોય, ત્યાં શાળાઓ કામચલાઉ વ્યવસ્થા તરીકે અન્ય વિષયોના એવા શિક્ષકોની સેવાઓ લઈ શકશે, જેમને તે ભાષાનું વ્યાવહારિક જ્ઞાન હોય. આ ઉપરાંત શાળાઓને ઇન્ટર-સ્કૂલ રિસોર્સ શેરિંગ, વર્ચ્યૂઅલ કે હાઇબ્રિડ ટીચિંગ, નિવૃત્ત ભાષા શિક્ષકોની નિમણૂક અને લાયક પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની સેવાઓ લેવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
 

દિવ્યાંગ અને વિદેશી વિદ્યાર્થીઓને મળશે રાહત

 
CBSE એ જણાવ્યું છે કે, વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને (CWSN) 'Rights of Persons with Disabilities Act, 2016' ની જોગવાઈઓ મુજબ જરૂરી છૂટછાટ આપવામાં આવશે. જ્યારે વિદેશથી ભારત પરત ફરતા વિદ્યાર્થીઓને કેસ-ટુ-કેસના આધારે બે ભારતીય ભાષાઓ ભણવાની ફરજિયાત શરતમાંથી મુક્તિ મળી શકે છે.
 

ગણિત અને વિજ્ઞાનમાં પણ મોટા ફેરફાર

 
CBSE એ એપ્રિલ 2026માં એ પણ જાહેરાત કરી હતી કે, શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9માં ગણિત અને વિજ્ઞાન વિષયો માટે ટુ-લેવલ (Two-Level) સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત બંને વિષયોમાં એક ફરજિયાત 'સ્ટાન્ડર્ડ સ્તર' (Standard Level) અને એક વૈકલ્પિક 'એડવાન્સ્ડ સ્તર' (Advanced Level) હશે. તમામ વિદ્યાર્થીઓએ 80 ગુણની સમાન પરીક્ષા આપવાની રહેશે, જ્યારે ઉચ્ચ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ વધારાનું એડવાન્સ્ડ પેપર આપીને પોતાની વિષયની ઊંડી સમજ અને ઉચ્ચ સ્તરીય વિચારસરણી કૌશલ્ય (Thinking Skills)નું પ્રદર્શન કરી શકશે.