VIDEO: હોમ લોન લેનારાઓ પર વધશે બોજ! સાડા ત્રણ વર્ષ બાદ RBIએ વધાર્યો Repo Rate
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ ત્રણ દિવસની બેઠક બાદ રેપો રેટ (Repo Rate)માં 0.25 ટકા એટલે કે 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા સાથે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. આશરે સાડા ત્રણ વર્ષ બાદ RBI દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર હોમ લોન (Home Loan)ના EMI અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના રિટર્ન પર પડી શકે છે.
સાડા ત્રણ વર્ષ બાદ વ્યાજદરમાં વધારો
RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 6.50 ટકા કર્યો હતો. ત્યાર બાદ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મોનિટરી પોલિસી રિવ્યૂમાં રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો હતો. હવે ફરી 0.25 ટકાના વધારા સાથે રેપો રેટ 5.50 ટકા પર પહોંચી ગયો છે.
ફુગાવો અને રૂપિયાની નબળાઈ વચ્ચે નિર્ણય
રેપો રેટ વધારવા પાછળ ઊંચો ફુગાવો (Inflation), ભારતીય રૂપિયાની નબળાઈ, વૈશ્વિક બોન્ડ યીલ્ડ્સ (Global Bond Yields)માં વધારો અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો ઉછાળો જેવા પરિબળોને મહત્વના માનવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી બેરલદીઠ 100 ડોલરની નજીક પહોંચતા મોંઘવારી અંગેની ચિંતા વધી છે.
હોમ લોન લેનારાઓ પર શું અસર થશે?
RBIના રેપો રેટમાં વધારો થતાં બેન્કો માટે RBI પાસેથી નાણાં ઉધાર લેવાનું મોંઘું બની શકે છે. તેની અસર બેન્કોના લોન રેટ પર પડી શકે છે. ખાસ કરીને ફ્લોટિંગ રેટ (Floating Rate)વાળી હોમ લોન ધરાવતા ગ્રાહકોના EMIમાં વધારો થવાની શક્યતા છે. જોકે, વાસ્તવિક અસર બેન્કની નીતિ અને લોનના પ્રકાર પર આધારિત રહેશે.
FDમાં રોકાણ કરનારાઓને મળી શકે ફાયદો
વ્યાજદરમાં વધારો થતાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદરોમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. જો બેન્કો ડિપોઝિટ રેટ વધારશે તો નવા FD કરાવનારા ગ્રાહકોને અગાઉની સરખામણીએ વધુ વ્યાજ મળી શકે છે. જોકે, દરેક બેન્ક દ્વારા વ્યાજદરમાં કેટલો ફેરફાર કરવામાં આવે છે તે મહત્વનું રહેશે.
RBIએ પોલિસી સ્ટાન્સ ‘ન્યુટ્રલ’ રાખ્યો
MPCએ વ્યાજદરમાં વધારો કર્યા બાદ પણ ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ (Neutral Policy Stance) જાળવી રાખ્યો છે. એટલે કે આગામી સમયમાં આર્થિક અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI પાસે વ્યાજદરમાં વધુ ફેરફાર કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની આસપાસ હોવાનું જણાવાઈ રહ્યું છે અને આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

