દિવસભરની ભારે વધઘટ બાદ શેરબજાર સુધારા સાથે બંધ, જાણો સેન્સેક્સ-નિફ્ટીના ક્લોઝિંગ આંકડા

ઘરેલું શેરબજાર બુધવારે વધારા સાથે બંધ થયું. કારોબાર દરમિયાન ઉતાર-ચઢાવ છતાં PSU બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો. જોકે આઇટી, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 130.49 પોઇન્ટ એટલે કે 0.17 ટકાના વધારા સાથે 77,185.43 પર બંધ થયો. જ્યારે, એનએસઈ નિફ્ટી 50 26.45 પોઇન્ટ એટલે કે 0.11 ટકા વધીને 24,074.85 ના સ્તરે બંધ થયો. જ્યારે, રૂપિયો ડૉલર સામે 6 પૈસા નબળો પડીને 96.26 પ્રતિ ડૉલર પર બંધ થયો.
અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇટરનલે બજારને આપ્યો ટેકો
નિફ્ટી 50 માં જોવા મળેલા વધારામાં અલ્ટ્રાટેક સિમેન્ટે અને ઇટરનલ જેવા શેરોનું મહત્વનું યોગદાન રહ્યું. આ શેરોમાં ખરીદીના કારણે મુખ્ય સૂચકાંકો હકારાત્મક ઝોનમાં રહ્યા.
મિડકેપ અને સ્મોલકેપ શેરોએ કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં વ્યાપક બજારનું પ્રદર્શન વધુ સારું રહ્યું. નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં આશરે 0.5 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ લગભગ 0.75 ટકા વધીને બંધ થયો. આનાથી રોકાણકારોની વ્યાપક ખરીદીના સંકેત મળ્યા
પીએસયુ બેંક ઇન્ડેક્સમાં તેજી, મેટલ શેરો પર દબાણ
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં આશરે 1 ટકાની તેજી જોવા મળી. બીજી તરફ, નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.આઇટી, રિયલ્ટી અને એફએમસીજીમાં નરમાઈ યથાવત રહી, આઇટી, રિયલ્ટી અને એફએમસીજી સેક્ટર સતત દબાણમાં રહ્યા અને આ ઇન્ડેક્સોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહ્યો. જ્યારે, ફાર્મા ઇન્ડેક્સ સતત બીજા કારોબારી સત્રમાં વધારા સાથે બંધ થયો. આ સિવાય ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ બે દિવસના ઘટાડા બાદ રિકવરી જોવા મળી હતી.
માર્કેટ એક્સપર્ટનો મત
બજારગ્લોબ કેપિટલ માર્કેટના એવીપી રિસર્ચર વિપિનકુમારના જણાવ્યા અનુસાર, દૈનિક ચાર્ટ પર નિફ્ટીએ ડોજી કેન્ડલ બનાવી છે, જે બજારમાં અસમંજસની સ્થિતિ દર્શાવે છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી નિફ્ટી 23,800થી 24,600ના દાયરામાં રહેશે, ત્યાં સુધી બજારમાં કન્સોલિડેશન (મર્યાદિત દાયરામાં કારોબાર) જોવા મળી શકે છે.
તેમણે જણાવ્યું કે જો નિફ્ટી 24,330ના સ્તરની ઉપર ટકે છે, તો તેમાં 24,600 સુધી તેજી આવી શકે છે. જ્યારે, જો ઇન્ડેક્સ 23,960ની નીચે સરકે છે, તો તે 23,800ના સ્તર સુધી ગગડી શકે છે.
ભારતીય અર્થતંત્ર પરના ભરોસાથી બજારને મળ્યો ટેકો
પીએલ કેપિટલના હેડ એડવાઇઝરી વિક્રમ કસાટે જણાવ્યું કે, ભારતીય શેરબજારની મજબૂતી દેશની આર્થિક સ્થિતિ પર રોકાણકારોના ભરોસાને દર્શાવે છે. તેમના જણાવ્યા મુજબ, વૈશ્વિક બજારોમાં સાનુકૂળ માહોલ અને અમેરિકામાં અપેક્ષા કરતાં ઓછા ફુગાવાના (મોંઘવારીના) આંકડાઓએ રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે. આનાથી યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં નરમાઈ લાવવાની આશા વધી છે.
આ ઉપરાંત, રૂપિયામાં મજબૂતી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ચિંતાઓમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ફરીથી ખરીદી, ખાસ કરીને નાણાકીય (ફાઇનાન્શિયલ) શેરોમાં, બજારને ટેકો મળ્યો. જોકે, તેમણે જણાવ્યું કે ક્રૂડ ઓઇલની (કાચા તેલની) ઊંચી કિંમતો અને ભૌગોલિક-રાજકીય તણાવ હજુ પણ બજાર માટે મહત્વના જોખમો બનેલા છે. આગામી દિવસોમાં રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો, કંપનીઓના ત્રિમાસિક પરિણામો, એફઆઇઆઇ રોકાણ અને કોમોડિટીની કિંમતો પર રહેશે, જે બજારની આગામી દિશા નક્કી કરશે.

