VIDEO: અલ નીનો મચાવશે તબાહી! સામાન્ય માણસની થાળી પર સંકટ, સરકારે શરૂ કરી તૈયારીઓ
તેલ અને ગેસની મોંઘવારી બાદ હવે ભારતીય ગ્રાહકો સામે વધુ એક પડકાર આવી શકે છે. વાતાવરણમાં ફેરફાર અને ખરાબ મોસમની અસરને કારણે દેશમાં કઠોળ (દાળ)ના ઉત્પાદન પર જોખમ તોળાઈ રહ્યું છે. આવનારા સમયમાં દાળના ભાવમાં અસામાન્ય વધારો ન થાય અને ગ્રાહકોને રાહત મળે તે માટે સરકારે અત્યારથી જ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ઉપભોક્તા બાબતોના મંત્રાલયે (Consumer Affairs Ministry) કૃષિ મંત્રાલયને પત્ર લખીને કઠોળના સ્ટોરેજ (ભંડારણ)ના નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.
શું છે મુખ્ય મુદ્દા?
PSS નિયમોમાં ફેરફારની માંગ: ખાદ્ય મંત્રાલયે 'પ્રાઇસ સપોર્ટ સ્કીમ' (PSS)ના નિયમોને સરળ બનાવવા કહ્યું છે. હાલના નિયમ મુજબ સરકારે ખરીદેલી દાળને 9 મહિનાની અંદર પૂરી કરવી પડે છે. પરંતુ મંત્રાલયે આ સમયમર્યાદા (ભંડારણ અવધિ) વધારવાની જરૂરિયાત દર્શાવી છે.
અલ નીનો (El Niño)નો ખતરો: પ્રારંભિક આકલન મુજબ, 'અલ નીનો' ની અસરને કારણે આવનારી ખરીફ સીઝનમાં હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ વધી શકે છે, જેનાથી દેશના કેટલાક વિસ્તારોમાં કઠોળનું ઉત્પાદન ઘટી શકે છે.
ભાવ પર અંકુશ મેળવવાનો પ્લાન: જો કઠોળનું ઉત્પાદન ઓછું થશે તો બજારમાં અછત સર્જાશે. આવા સમયે જો સરકાર પાસે જૂનો સ્ટોક વધારે સમય માટે સચવાયેલો હશે, તો સરકાર પોતાના ભંડારમાંથી દાળ બજારમાં મૂકીને ભાવ વધારા પર કાબૂ મેળવી શકશે.
શું છે PSS (પ્રાઇસ સપોર્ટ સિસ્ટમ) કાયદો?
PSS હેઠળ જ્યારે બજારમાં પાકના ભાવ ઘટી જાય છે, ત્યારે સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે (MSP) દાળ, તેલીબિયાં અને કોપરાની ખરીદી કરે છે. જ્યારે બજારમાં મોંઘવારી વધે છે, ત્યારે સરકાર આ જ સ્ટોકમાંથી માલ બજારમાં મુકીને કિંમતો નિયંત્રણમાં લાવે છે.
મોસમની અનિશ્ચિતતા અને અલ નીનોના ખતરાને જોતાં, ભવિષ્યમાં કઠોળની અછત કે મોંઘવારી ન સર્જાય તે માટે સરકાર પોતાના સ્ટોરેજ પોલિસી (સંગ્રહ નીતિ) માં મોટા ફેરફાર કરવા જઈ રહી છે.

