મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

AI ક્ષેત્રે આગેવાન બનવા દેશમાં શિક્ષણ સ્તરમાં પરિવર્તન જરૂરી છે 

- AI કોર્નર - AIની માહિતી વગર ભવિષ્યની રોજગાર બજારમાં ટકી રહેવાનું મુશ્કેલ બનશે

AI ક્ષેત્રે આગેવાન બનવા દેશમાં શિક્ષણ સ્તરમાં પરિવર્તન જરૂરી છે 

- AI કોર્નર

- AIની માહિતી વગર ભવિષ્યની રોજગાર બજારમાં ટકી રહેવાનું મુશ્કેલ બનશે

છ દાયકા પહેલા કોમ્પ્યુટર ક્રાંતિ બાદ ભારત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોરચે પણ ક્રાંતિ કરવા સજ્જ થઈ રહ્યું અને આ માટે સરકાર દ્વારા અનેક પહેલો પણ હાથ ધરવામાં આવી રહી છે. કોઈપણ પરિવર્તન પરિશ્રમ તથા ભોગ માગી લેતુ હોય છે, તેમ એઆઈ ટેકનોલોજીની ક્રાંતિ દેશમાં રોજગાર છીનવી લેવા સાથે નવા પ્રકારના રોજગાર ઊભા કરશે તેમાં કોઈ બેમત નથી.

જો કે નવા રોજગાર માટે તૈયાર હોય તેવો યુવાવર્ગ હાલમાં ભારતમાં જોવા મળી રહ્યો છે ખરા? અથવા ગ્રેજ્યુએટ કે પોસ્ટ-ગ્રેજયુએટની ડીગ્રી મેળવી રોજગારની માર્કેટમાં બહાર પડતો યુવાવર્ગ નવી ટેકનોલોજી સાથે કામ કરવા સજ્જ હોય છે ખરા? એવા સવાલનો જવાબ કદાચ નામાં આવી શકે. 

ભારતમાં AI ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત એન્જિનિયરોની યાદી તૈયાર કરવામાં આવે તો આ યાદી ભાગ્યેજ પાંચ અંકની ઉપર જઈ શકે એમ હોવાનું ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતે  તાજેતરમાં જણાવ્યું હતું. અનુભવી AI ટેલેન્ટની નીચી સંખ્યા દેશમાં માગ-પૂરવઠા વચ્ચેના અંતરને હજુ લાંબો સમય સુધી ચાલુ રાખશે એમ કહીશુ તો ખોટું નહીં ગણાય. 

૨૦૨૬ના અંત સુધીમાં એઆઈ ક્ષેત્રના નિષ્ણાતોની માગ સામે દેશમાં માત્ર ૪૫ ટકા જ સ્કીલ્ડ વર્કફોર્સ ઉપલબ્ધ બની શકશે તેવો તાજેતરમાં અન્ય એક રિપોર્ટમાં અંદાજ મુકાયો હતો. સ્પર્ધા સામે ટકી રહેવા કંપનીઓ પોતાની આવકની કેટલીક  રકમ   કર્મચારીબળની   તાલીમ પાછળ ખર્ચી રહી છે. મોટાભાગની રકમ  કર્મચારીઓમાં નિપુણતા વધારવા પાછળ ખર્ચવામાં આવે છે. આપણી પાસે ટેકનોલોજીના જાણકારોની   સંખ્યા  મોટી છે પરંતુ એઆઈ નિષ્ણાતો મેળવવાનું  હજુુપણ મુશકેલ બની રહ્યું છે. 

રોજગાર ઈચ્છુકોને રોજગાર લાયક બનાવવા નાણાંની ફાળવણી દેશની કોઈપણ સરકારની એક કવાયત બની રહે છે પરંતુ વિશ્વના અન્ય દેશો ખાસ કરીને વિકસિત દેશોની સરખામણીએ સ્કીલ ડેવલપમેન્ટમાં ભારત હજુપણ પ્રમાણમાં પાછળ છે. આ માટેનું મુખ્ય કારણ આપણી  નબળી શિક્ષણ વ્યવસ્થા છે. આપણા શિક્ષણનો ઢાંચો આજે પણ વિશ્વની બદલાતી જતી માગ પ્રમાણે બદલાતો નથી. એઆઈમાં આગેવાન બનવા ભારતે તેની શાળા શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળથી ફેરબદલ કરવાની આવશ્યકતા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. શાળા શિક્ષણમાં જ એઆઈને લગતી તાલીમ અને સ્કીલ ડેવલપમેન્ટને આવરી લેવાની તાતી આવશ્યકતા છે. એઆઈની માહિતી વગર ભવિષ્યની રોજગાર બજારમાં ટકી રહેવું મુશકેલ બનશે. શાળા શિક્ષણથી જ યુવાન-યુવતિઓમાં રહેલી કારકિર્દી બનાવવાની ક્ષમતાને ઓળખી કાઢી તેમને તેમની  અપેક્ષા પ્રમાણેના શિક્ષણ અથવા તાલીમ મળી રહે તે પણ જરૂરી છે. 

કર્મચારીમાં  કુશળતા કેળવવા સરકાર ભાર આપી રહી છે  પરંતુ શાળા કે કોલેજ સ્તરે વ્યવસાયીક તાલીમ પૂરી પાડતા અભ્યાસક્રમ તથા સ્કીલિંગને ગંભીરતાથી લેવાતા નથી.  શાળા-કોલેજોમાં પૂરી પડાતી તાલીમ હાલમાં ઉદ્યોગોમાં આવતા બદલાવ પ્રમાણે  હોતી નથી. 

 આપણી  અવ્યવહારુ શિક્ષણ પદ્ધતિને પરિણામે રોજગાર માટે બહાર પડતા યુવક-યુવતિઓ રોજગારને લાયક એવી સ્કીલ સાથે સુસજ્જ નથી હોતા. બદલાતા સમયને અનુરૂપ એવા તાલીમબદ્ધ શિક્ષિત કર્મચારીબળનો અભાવ દેશના આર્થિક વિકાસની મંદ ગતિ માટેનું એક કારણ માની શકાય એમ છે. 

શાળા શિક્ષણ સ્તરમાં વ્યાપક ફેરબદલ કર્યા વગર દેશની યુવા પેઢીને વિશ્વ સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું મુશકેલ બની રહેશે. વૈશ્વિક અર્થતંત્ર આજે ભારે સ્પર્ધા વચ્ચે ચાલી રહ્યું છે, ત્યારે યુવા પેઢીને સ્પર્ધાત્મક બનાવવાની કામગીરીને પ્રાધાન્ય  મળે તે આવશ્યક છે. ગ્રેજ્યુએશન બાદ યોગ્ય અભ્યાસક્રમની ગેરહાજરીને કારણે મોટી સંખ્યાનું યુવાધન ખાસ કરીને એન્જિનિયરો પોતાની કારકિર્દી  બનાવવા વિદેશ તરફ નજર દોડાવી રહ્યા છે. 

એઆઈના આગમન સાથે કેવા પ્રકારના રોજગાર ઊભા થશે અને કેવા પ્રકારના તાલીમબદ્ધ કર્મચારીબળની આવશ્યકતા રહેશે તેનો અંદાજ  હાલમાં મેળવવાનો મુશકેલ છે. એઆઈ અને ઓટોમેશન ભલે ખતરારૂપ ન હોય પરંતુ દેશના વિવિધ ક્ષેત્રોમાં ઓટોમેશનનું  હાલનું અને ભાવિ ચિત્ર સમજવા માટે વિગતવાર અભ્યાસ કરવો  આવશ્યક છે અને ઓટોમેશનને કારણે રોજગારની તકો પર કેવી અસર પડશે તેનો પણ અંદાજ  મેળવી લેવો દેશ માટે સલામત બની રહેશે. 

વિકસિત દેશોમાં આવા રિસર્ચ થતા રહે છે પરંતુ ભારતમાં આવા અંદાજ કઢાતા હોવાનું ભાગ્યે જ જોવા મળે છે. રોજગારના ભાવિ અંગે થયેલા કેટલાક અભ્યાસોમાં બે મુખ્ય સાર એવા નીકળ્યા છે.  એક તો ભવિષ્યની રોજગાર બજાર એકદમ અનિશ્ચિત હશે તથા નવા રોજગાર ઊભા થવાની અને તે  જલદીથી સમયને  અસંગત થઈ જવાની ગતિ પણ એકદમ ઝડપી હશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી તાલીમ કાર્યક્રમો ખાસ કરીને એઆઈ કેન્દ્રીત તાલીમ કાર્યક્રમો પણ ઝડપથી બદલાતા રહે તે જરૂરી હોવાનો નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.  ૨૦૪૭ સુધીમાં ટેકનોલોજીકલ ક્ષેત્રે વિકસિત દેશ બની જવા ભારતે ટાર્ગેટ નિશ્ચિત કર્યો છે ત્યારે આ ટાર્ગેટ ત્યારે જ સિદ્ધ થયો લેખાશે  જ્યારે દેશના  ખૂણે ખૂણે એઆઈ ટેકનોલોજીથી લોકો વાકેફ હશે. 

આ સમાચાર શેર કરો