પ્રાઈવેટ નોકરી કરનારાઓને મોટો ઝટકો, EPFO કરી શકે છે મોટી જાહેરાત!

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીએફ પર મળનારા વ્યાજ દર નક્કી કરવાની તૈયારીમાં લાગી ગયું છે. નાણાકીય વર્ષ 2025-26 માટે પીએફ પર જમા રકમ પર કેટલું વ્યાજ મળશે, તે નક્કી કરવામાં આવનાર છે. આ અંગે એવા અહેવાલો મળી રહ્યા છે કે કર્મચારીઓને ઝટકો લાગી શકે છે, કારણ કે પીએફના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માર્ચના પ્રથમ સપ્તાહમાં તેની 239મી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં વર્ષ 2025-26 માટે પીએફ વ્યાજ દરની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દર ઘટાડીને 8% થી 8.20% ની વચ્ચે રાખવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25 માટે આ દર 8.25% જાહેર કરવામાં આવ્યો હતો.
શા માટે PF વ્યાજદરમાં ઘટાડો થઈ શકે?
સૂત્રના જણાવ્યા અનુસાર, હાલ તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' હેઠળ EPFOમાં વધુ લોકો જોડાવાને કારણે, એવી અપેક્ષા છે કે વધુ લોકોને ચૂકવણી કરવા માટે વ્યાજ દરોમાં થોડો ઘટાડો કરવામાં આવે, જેથી EPFO પાસે પૂરતું ફંડ (બફર) જળવાઈ રહે.
નાણા મંત્રાલય આપે છે અંતિમ મંજૂરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મંજૂરી મળ્યા બાદ, વ્યાજ દરને નાણા મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે સૂચના (Notification) બહાર પાડવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ વ્યાજની રકમ સબસ્ક્રાઇબર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
EPFOની ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ અને ઓડિટ કમિટી (FIAC) ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રોકાણ પર મળેલા વળતરના આધારે વ્યાજ દર નક્કી કરવા માટે બેઠક કરશે અને તેની ભલામણ CBT ને મોકલશે.
બેઝિક સેલરી લિમિટ વધારવા પર પણ થશે ચર્ચા
આ બેઠકમાં સામાજિક સુરક્ષા કવરેજ વધારવા માટે EPFO હેઠળની પગાર મર્યાદા (Salary Limit) ₹15,000થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાના મુદ્દે પણ વિચારણા થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં વધતા પગાર અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચાર મહિનામાં આ મર્યાદા વધારવાનો નિર્દેશ આપ્યો હતો.
નોંધનીય છે કે ₹15,000ની આ મર્યાદા વર્ષ 2014થી બદલાઈ નથી, જેના કારણે ઘણા કર્મચારીઓ ફરજિયાત PF કવરેજની બહાર થઈ ગયા છે.

