VIDEO: Asha Bhosle પોતાની પાછળ છોડીને ગયા કરોડોનું સામ્રાજ્ય, બ્રિટનથી દુબઈ સુધી ફેલાયેલો છે ડાઇનિંગ બિઝનેસ
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું રવિવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને થાક અને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ અને હોટલ બિઝનેસ છોડી ગયા છે.
આશા ભોસલેએ માત્ર 10 વર્ષની ઉંમરથી ગાયકીની શરૂઆત કરી હતી. તેમને પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર કલાકાર તરીકે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.
કેટલી છે નેટવર્થ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આશા ભોસલેની અંદાજિત કુલ સંપત્તિ 150 થી 200 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેમની કમાણીનું મુખ્ય સાધન તેમની ઐતિહાસિક ગાયન કારકિર્દી, રોયલ્ટી અને દાયકાઓથી ચાલી રહેલા હિટ આલ્બમ્સ રહ્યા છે.
અનેક પ્રોપર્ટીના માલિક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આશા ભોસલે પાસે અંદાજે 80 થી 100 કરોડ રૂપિયાની રિયલ એસ્ટેટ સંપત્તિ છે. તેમના પોર્ટફોલિયોમાં મુંબઈ અને પુણેમાં અત્યંત લક્ઝરી રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે.
બિઝનેસમાં પણ સફળ
આશા ભોસલેએ માત્ર સુરોથી જાદુ નથી પાથર્યો પરંતુ વ્યવસાયની દુનિયામાં પણ સફળ રહ્યા છે. તેમણે વિશ્વભરમાં 'Asha’s' (આશાઝ) નામે એક આંતરરાષ્ટ્રીય ડાઇનિંગ બ્રાન્ડ શરૂ કરી છે. તેની શરૂઆત વર્ષ 2002માં દુબઈથી થઈ હતી. આજે તેની રેસ્ટોરન્ટ્સ દુબઈ ઉપરાંત કુવૈત, બહેરીન, અબુ ધાબીની સાથે-સાથે બ્રિટનના બર્મિંગહામ અને માન્ચેસ્ટર જેવા શહેરોમાં પણ આવેલી છે. મિડલ ઈસ્ટ અને યુકેમાં અંદાજે 14 આઉટલેટ્સ કાર્યરત છે.

