ઇન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે RBIનું મોટું નિવેદન, " ઇન્ડસઇન્ડ બેંક નાણાકીય રીતે..."

ઈન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં રિઝર્વ બેંકે કહ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંક નાણાકીય રીતે સ્થિર છે અને બેંક પાસે પૂરતું ભંડોળ છે, તેથી થાપણદારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
રિઝર્વ બેંકે નિવેદનમાં કહ્યું છે કે, ઓડિટર દ્વારા બેંકના નાણાકીય પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે. જે દર્શાવે છે કે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેંક પાસે પૂરતી મૂડી છે અને તેનો મૂડી પર્યાપ્તતા અનુપાત 16.46 ટકા છે, જ્યારે જોગવાઈ કવરેજ અનુપાત 70.20 ટકા છે. રિઝર્વ બેંક અનુસાર 9 માર્ચ, 2025 ના રોજ ઇન્ડસઇન્ડ બેંકનો લિક્વિડિટી કવરેજ રેશિયો 113 ટકા છે, જ્યારે નિયમ પ્રમાણે આ રેશિયો 100 ટકા હોવો જોઈએ. એટલે કે આ યોગ્ય છે.
સુધારાત્મક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો
રિઝર્વ બેંકે શનિવારે ઇન્ડસઇન્ડ બેંકના બોર્ડને કહ્યું કે, તેઓ ચાલુ ક્વાર્ટર દરમિયાન બેંક દ્વારા જાહેર કરાયેલા 2,100 કરોડ રૂપિયાના મોટા હિસાબી વિસંગતતાના ખુલાસા વચ્ચે સુધારાત્મક કાર્યવાહી પૂરી કરે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં ઇન્ડસઇન્ડ બેંકે એકાઉન્ટિંગ અનિયમિતતાઓનો ખુલાસો કર્યો હતો, જેના કારણે બેંકની નેટવર્થ પર અંદાજિત 2.35 ટકા અસર થઈ હતી. આ ખુલાસાના થોડા સમય બાદ બેંકના શેરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે બેંકે તેની હાલની સિસ્ટમ્સની વ્યાપક સમીક્ષા કરવી અને વાસ્તવિક અસરનું મૂલ્યાંકન કરવા માટે એક બાહ્ય ઓડિટ ટીમની નિમણૂક કરી છે.
શું છે ઇન્ડસઇન્ડ બેંકનો આખો મામલો?
ઈન્ડસઇન્ડ બેંકના શેર ગત મંગળવારે 27.06% ઘટીને રૂ. 656.80 પર બંધ થયા. આ ઘટાડાનું સૌથી મોટું કારણ બેંકના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે બેંકના માર્કેટ કેપમાં 2.35 ટકાનો ઘટાડો થયો. આ સાથે જ રોકાણકારોનો બેંક પર વિશ્વાસ ઘટવા લાગ્યો અને લોકોએ શેર વેચવાનું શરૂ કર્યું, જેના કારણે બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

