AIએ છીનવી નોકરીઓ! Oracleએ કરી 21,000 કર્મચારીઓની છટણી, ભવિષ્ય અંગે આપી મોટી ચેતવણી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જ્યાં કંપનીઓની વર્ક ફોર્સ (કાર્યક્ષમતા) વધારવાનો દાવો કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ તે લાખો કર્મચારીઓ માટે ચિંતાનું કારણ પણ બની રહ્યું છે. અમેરિકી ટેક દિગ્ગજ ઓરેકલ (Oracle) આનું તાજું ઉદાહરણ બનીને સામે આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 દરમિયાન વિશ્વભરમાંથી આશરે 21,000 કર્મચારીઓની છટણી કરી દીધી છે. ઓરેકલનું કહેવું છે કે AI આધારિત ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે ભવિષ્યમાં પણ વધુ નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે.
કંપનીની વર્કફોર્સમાં 13%નો ઘટાડો થયો
ઓરેકલના વાર્ષિક અહેવાલ (Annual Report) મુજબ, 31 મે 2026 સુધીમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટીને 1.41 લાખ રહી ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા આ સંખ્યા આશરે 1.62 લાખ હતી. એટલે કે કંપનીની કુલ વર્કફોર્સમાં લગભગ 13%નો ઘટાડો થયો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે AI ટેક્નોલોજીના ઉપયોગથી ઘણી પ્રક્રિયાઓ ઓટોમેટ (સ્વચાલિત) થઈ રહી છે, જેના કારણે કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે. ઓરેકલના જણાવ્યા અનુસાર, મેનેજમેન્ટમાં ફેરફાર, નવું પ્રોડક્શન, પરફોર્મન્સ સંબંધિત મુદ્દાઓ અને વ્યૂહાત્મક પુનર્ગઠન (Strategic Restructuring) પણ આ છટણીના મોટા કારણો રહ્યા છે.
AI અને ક્લાઉડ બિઝનેસ પર મોટો દાવ
ઓરેકલ હવે માત્ર એક ડેટાબેઝ સોફ્ટવેર કંપની તરીકે રહેવા નથી માંગતી. કંપનીના ચેરમેન લેરી એલિસનના નેતૃત્વમાં ઓરેકલ ખૂબ જ ઝડપથી AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રે પોતાનો વિસ્તાર કરી રહી છે. કંપની OpenAI જેવા ગ્રાહકો માટે મોટા-મોટા AI ડેટા સેન્ટર્સ બનાવી રહી છે. આના માધ્યમથી ઓરેકલ સીધી રીતે એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓને ટક્કર આપવા માંગે છે.
AIના વિસ્તરણ પાછળ 70 અબજ ડોલર ખર્ચાશે
ઓરેકલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં તે આશરે 70 અબજ ડોલરનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (મૂડી રોકાણ) કરશે. આ રોકાણને પૂરું કરવા માટે કંપની આશરે 40 અબજ ડોલર વધારાનું દેવું (લોન) અને ઇક્વિટી દ્વારા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. જોકે, AIની આ દોડ કંપની માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી છે. નાણાકીય વર્ષ 2026માં ઓરેકલે કર્મચારીઓની છટણી અને પુનર્ગઠન પાછળ 1.84 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે આ ખર્ચ માત્ર 374 મિલિયન ડોલર હતો.
ભવિષ્યમાં પણ જઈ શકે છે નોકરીઓ
ઓરેકલે પોતાના અહેવાલમાં ચેતવણી આપી છે કે AI ટેક્નોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેનાથી ભવિષ્યમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. કંપનીનું માનવું છે કે એવા ઘણા કાર્યો જે પહેલા માણસો કરતા હતા, તે હવે AI અને ઓટોમેશન દ્વારા પૂરા કરી શકાય છે. ઓરેકલની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વિશ્વભરની ટેક કંપનીઓ AIને ઝડપથી અપનાવી રહી છે. આવનારા વર્ષોમાં AI પ્રોડક્ટિવિટી (ઉત્પાદકતા) તો વધારશે, પરંતુ તેની સાથે ઘણી નોકરીઓ પર પણ તેની માઠી અસર જોવા મળી શકે છે.

